કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

‘બજેટમાં ગ્લોબલ માહોલ સાથે ઈન્ટીગ્રેશનને વધુ ફોકસઃ ન્યુએજ ઈકોનોમી પર નોંધપાત્ર ધ્યાન’

બિરેન વકીલ (કોમોડિટી એનાલિસ્ટ)

અંદાજપત્ર બોલ્ડ અને બ્યુટીફુલ રહ્યું. ચૂંટણીઓનું વરસ જોતા અને બજેટ પહેલાનો માહોલ જોતા બજેટ લોકભોગ્ય આવશે એવી અપેક્ષા હતી. મધ્યમવર્ગને કરરાહતો, સુપરરિચ ટેકસ, ખેતીક્ષેત્રે સાધનોની ફાળવણીમાં મોટો વધારો- છુટક, છુટક જાહેરાતોને બદલે બજેટનું ફોકસ મેક્રો એલીમેન્ટસ પર રહ્યું. ધ્યાનાકર્ષક મુદ્દામાં સરકારનું ફોકસ વૈશ્વિક માહોલ સાથે તાદાત્મય- ઇન્ટિગ્રેશન વધારવાનું છે. બજેટમાં ડિજિટલ ઇકોનોમી, કલાયમેટ ચેન્જ, ક્રિપ્ટો એસેટસ- ન્યુએજ ઇકોનોમી પર નોંધપાત્ર ભાર મુકાયો છે. સાથોસાથ આત્મનિર્ભરતા અને મેન્યુફેકચરિંગ સેકટરને વિકાસનો બુસ્ટરડોઝ મળે એની ખેવના રાખી છે. ક્રિપ્ટોકરન્સી પર ૩૦ ટકા વેરો, એક ટકા ટીડીએસ અને સાથોસાથ ક્રિપ્ટો એસેટસમાં નુકસાનનો કોઇ સેટઓફ નહી મળે. આ ઉપરાંત સરકારે ડિજિટલ રૂપી, સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીની પણ જાહેરાત કરી. બ્લોકચેઇન ટેકનોલોજીને પ્રોત્સાહન પણ ખાનગી ક્રિપ્ટો એસેટસમાં ઉંચા કરવેરા નાખી સરકાર ક્રિપ્ટો બજારોમાં સટ્ટાખોરીને ઉત્તેજન નહી આપે એવો પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.

ક્રિપ્ટો હવે કાનુની દાયરામાં

સરકારે વેરો લાદીને ક્રિપ્ટોને કાનૂની દાયરામાં પણ લાવી દીધી છે. હવે ટુંક સમયમાં રેગ્યુલેટરી ગાઇડલાઇન આવશે. કલાયમેટ ચેન્જ, એનર્જી ટ્રાન્ઝિશન, ઇલેકટ્રિક વાહનો, બેટરી ટેકનોલોજીમાં મૂડીરોકાણ વગેરે ન્યુએજ સેકટરમાં મૂડીરોકાણ અને સાથોસાથ સોવરીન ગ્રીન બોન્ડની જાહેરાત જોતા સરકારનું મન સસ્ટેનેબીલીટી મામલે પણ સ્પષ્ટ થઇ ગયું છે. વિકસીત દેશોના મોટા ફંડ મેનેજર્સ પાસે ગ્રીન-કલાયમેટ સેકટર માટે અઢળક નાણાં છે. અમુક અંશે આવા રોકાણ મેન્ટેડેટરી પણ છે. સરકારને ગ્રીન બોન્ડમાં ઘણા નાણાં મળશે.ખાનગી બોન્ડ બજારોમાં વિદેશી મૂડી આકર્ષવાનો  હીચકિચાટ કેમ?. અઢળક રૂપિયા ભારતમાં આવવા આતુર છે.

ડિજિટલ ઈકોનોમી તરફ ઝુકાવ

સરકારે સ્ટાર્ટઅપ, ફિનટેકના વિકાસ માટે અને સંમાતર અર્થતંત્રને ફોર્મલ અર્થતંત્ર સાથે ઇન્ટિગ્રેટ કરવા અંદાજે દોઢ લાખ પોસ્ટઓફિસે કોર બેન્કિંગ સાથે જોડી- ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા સાથે એને એફોર્ડેબલ બનાવવા પર પણ ભાર મુકયો છે. જેમજેમ ડિજિટલ પેમેન્ટ વધતા જશે એમ એમ કરચોરી પણ ઘટતી જશે. ગીફટ સીટીમાં ડિજિટલ યુનિવર્સિટિનું એલાન, ફિનટેક, ફાયનાન્સિયલ મેનેજમેન્ટ વગેરે ભણાવાશે. ડિજિટલ ઇકોનોમી તરફી ઝુકાવ સાથે ફાયનાન્સિયલ ઇન્કલુઝન વધારવું, મેન્યુ સેકટર, સ્ટાર્ટઅપ વડે વિદેશી મૂડી અને સ્વદેશી શ્રમ વચ્ચેની સિમ્બાયોટિક રિલેશનશિપ દ્વારા આડકતરી રીતે નોકરીઓનું સર્જન કરવું – બીટવીન ધ લાઇન્સ જોઇએ તો બજેટ બોલ્ડ અને બ્યુટીફુલ છે.

જીડીપી લક્ષ્ય કઠિન

ચૂંટણીઓના વરસમાં પોપ્યુલિઝમ ફગાવીને સરકારે ફિસ્કલ કોન્સોલિડેશન, આત્મનિર્ભરતાને પ્રોતસાહન અને સપ્લાય સાઇડ ઇકોનોમિક્સની સહાય લીધી છે. જીડીપી લક્ષ્યાંક ૯.૫ ટકા છે પણ ૯૦ ડોલરનું ક્રુડ, કોમોડીટી સુપર સાયકલ જોતા આ અંદાજ સ્ટેનેબલ નથી. ફુગાવાના મામલે સંપૂર્ણ ચૂપકીદી પણ સોનાની થાળીમાં લોઢાની મેખ છે. અલબત્ત ન્યુનોર્મલમાં બજેટનું મહત્વના વર્તમાન તકો અને પડકારોને પહોચી વળવા સરકારની ઇચ્છાશક્તિ અને ક્ષમતાઓનો કયાસ કાઢવાથી વિશેષ નથી, સરકારનું ઘણે ખરે અંશે તો કળી શકાયું છે, પણ કોથળામાં પાંચશેરી છે કે નહી એ જાણવા આખો બજેટ ડોકયુમેન્ટ વાંચવો પડે.