કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

‘બજેટમાં પ્રતિકૂળ પણ કંઈ નથી અને વધારે હર્ષ પમાડે એવું પણ કંઈ નથી‘

જિગર શાહ (એમઆઇબી સિક્યૉરિટીઝ ઇન્ડિયા પ્રા. લિ.ના સીઈઓ)

આ બજેટમાં પ્રતિકૂળ કંઈ નથી, પરંતુ ઘણો હર્ષ પમાડે એવું પણ કંઈ નથી. બજેટનું મુખ્ય પાસું મૂડીગત ખર્ચ છે, જે વર્ષાનુવર્ષ ધોરણે ૩૫.૪ ટકા વધારે રાખવામાં આવ્યો છે. સરકારે અનુમાન રાખ્યું છે કે કરવેરાની આવક વધી રહી છે અને અર્થતંત્રમાં સુધારો આવ્યો છે તેથી સ્થિતિ સુધરશે. મૂડીગત ખર્ચને લીધે જીડીપીમાં વૃદ્ધિ આવવાની વાત સારી છે, પરંતુ હાલ વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધી રહ્યા છે, નાણાં નીતિ કડક બનાવવામાં આવી રહી છે અને વ્યાજદર વધારવામાં આવી રહ્યા છે તેને અનુલક્ષીને વિચાર કરવો પડે છે.

અમારા મતે નિફ્ટી હાલ એક વર્ષ આગળના ૨૫ ગણા પ્રાઇઝ ટુ અર્નિંગ રેશિયો પર ટ્રેડ થઈ રહ્યો છે, જે ઓવરવેલ્યૂડ છે. અમે નિફ્ટી માટે ૧૪,૬૬૦નું ટાર્ગેટ રાખીએ છીએ. ઘટાડે સારા શેર ખરીદવાની અમારી ભલામણ છે.

સરકારે રાજકોષીય ખાધ માટેનો અંદાજ જીડીપીના ૬.૪ ટકાનો રાખ્યો છે. જો સરકાર અંદાજ કરતાં વધારે કરવેરાની આવક કરી શકશે, જાહેર ક્ષેત્રની કંપનીઓના વેચાણ દ્વારા વધારે આવક રળી શકશે અને 5જી સ્પેક્ટ્રમની હરાજીથી મોટી રકમ પ્રાપ્ત કરી શકશે તો જ આશ્ચર્ય સર્જાશે. જોકે, રિટેલ ઈંધણ, ખાતર અને ખાદ્યપદાર્થોના ઉંચા ભાવ તથા રાજ્યોની ચૂંટણીમાં થનારી સંભવિત પીછેહઠના સંજોગોમાં આ લક્ષ્ય હાંસલ થાય નહીં એ શક્ય છે.

નાણાપ્રધાનના ભાષણ પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર રોડ, પોર્ટ્સ, ઍરપોર્ટ્સ અને લૉજિસ્ટિક્સ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રના સહયોગથી ખર્ચ કરશે. ગ્રીન સોવરિન બોન્ડ મારફતે નાણાં ઊભાં કરશે, ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપશે તથા 5જી સ્પેક્ટ્રમના વેચાણ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે સસ્તા દરની બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરશે.

આગામી સમયમાં વિદેશમાંથી આવતો નાણાપ્રવાહ અટકી શકે છે અથવા નાણાં પાછાં ખેંચવામાં આવી શકે છે. એ ઉપરાંત કોમોડિટીના ભાવમાં વધારો શક્ય છે. એ ઉપરાંત ભૂરાજકીય સ્થિતિ પણ કંપનીઓની આવક અને માનસ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આથી અમે શેરબજાર માટે વધારે આશાવાદી નથી.