સપ્લાય ચેઇન ખોરવાતાં સૂકા મેવાના ભાવ વધવાનાં એંધાણ

નવી દિલ્હીઃ તહેવારોની સીઝન શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ ડ્રાયફ્રૂટ બજારમાં હાલચલ તેજ બની ગઈ છે. વેપાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ વર્ષે દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન પિસ્તા, બદામ, અંજીર, ખજૂર અને અન્ય ડ્રાયફ્રૂટ્સની કિંમતો ગ્રાહકોનાં ખિસ્સાં પર ભાર મૂકે એવી શક્યતા છે. જોકે તેનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિઓ છે. ઈરાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી ભારત મોટી માત્રામાં ડ્રાયફ્રૂટ્સ આયાત કરે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ત્યાં વધેલા તણાવપૂર્ણ વાતાવરણ અને યુદ્ધ જેવી સ્થિતિઓએ સપ્લાય ચેઇનને ગંભીર રીતે અસર કરી છે. ડ્રાયફ્રૂટ વેપાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે સમસ્યા માત્ર માલની અછતની નથી. શિપિંગ, પરિવહન, વીમા, ફ્રેટ ચાર્જ અને યુદ્ધ સંબંધિત વધારાના ખર્ચને કારણે સમગ્ર સપ્લાય ચેઇન મોંઘી બની ગઈ છે. તેની સીધી અસર બજારમાં કિંમતો પર જોવા મળી રહી છે.

સપ્લાય ચેઇન પર મોટી અસર

વેપારીઓના જણાવ્યા મુજબ પહેલાં અફઘાનિસ્તાન અને ઈરાનમાંથી ડ્રાયફ્રૂટ્સ સરળતાથી ભારત પહોંચી જતા હતા, પરંતુ હવે ઘણા માર્ગો પ્રભાવિત થયા છે. અફઘાનિસ્તાનથી આવતો માલ પહેલેથી જ અનેક અવરોધોનો સામનો કરી રહ્યો હતો, અને હવે ઈરાનથી આવતી સપ્લાય પણ અસરગ્રસ્ત બની છે. પરિસ્થિતિ એવી છે કે કેટલીક જગ્યાએ બંદરોનું સંચાલન પ્રભાવિત થયું છે, જ્યારે અનેક શિપિંગ કંપનીઓએ વધારાના ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. જે માલ પહેલાં થોડા દિવસોમાં ભારત પહોંચી જતો હતો, તેને હવે પહોંચવામાં ઘણી વધુ સમય લાગી રહ્યો છે.

કિંમતોમાં કેટલો વધારો થયો?

કુલ મળીને ઘણા મુખ્ય ડ્રાયફ્રૂટ્સની કિંમતોમાં 10થી 25 ટકા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. ઉપરાંત ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને વધતી આયાત કિંમતને કારણે પણ કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

દિવાળી દરમિયાન વધી શકે છે મુશ્કેલીઓ

હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી ડ્રાયફ્રૂટ્સની માંગ સામાન્ય છે. પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરથી તહેવારોની સીઝન શરૂ થશે. ત્યારબાદ દિવાળી સુધી બજારમાં માંગ ઝડપથી વધે છે. નિષ્ણાતોનું કહેવું છે કે વાસ્તવિક પડકાર ત્યારે શરૂ થશે. જો ત્યાં સુધી સપ્લાય સામાન્ય નહીં બને તો ડ્રાયફ્રૂટ્સની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.