અમદાવાદઃ સાયબર ગુનાઓ સામે રાજ્ય પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે. આ અભિયાન હેઠળ મ્યુલ એકાઉન્ટ્સ મારફતે ચલાવવામાં આવતા મોટા સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે રૂ. 2289 કરોડની આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ કરીને સેંકડો આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. આ અભિયાનનો હેતુ સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી સાયબર ગુનેગારો પાસેથી સુરક્ષિત રાખવાનો અને દોષિતોને કડક સજા અપાવવાનો છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ડેપ્યુટી ઉપ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCE) દ્વારા આ અભિયાનનું સંચાલન કરવામાં આવ્યું અને વિવિધ જિલ્લાઓમાં સંકલિત કાર્યવાહી કરીને સાયબર ગુનાખોરીના મોટા નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ અભિયાનનું મુખ્ય કેન્દ્રબિંદુ મ્યુલ એકાઉન્ટ્સ રહ્યા. મ્યુલ એકાઉન્ટ્સ એવા બેંક ખાતાં હોય છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરવા, ટ્રાન્સફર કરવા અને મની લોન્ડરિંગ માટે કરે છે. આવાં ખાતાંના માલિકોને ‘મની મ્યુલ’ કહેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં લોકો જાણીને તો કેટલાક કિસ્સાઓમાં અજાણતાં પણ પોતાના ખાતાઓ સાયબર ગુનેગારોના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવે છે. વર્ષ 2025માં શરૂ કરાયેલા ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0માં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર પોલીસ સ્ટેશનોને સામેલ કરવામાં આવ્યા હતા.
પોલીસે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP), સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઇનમાંથી પ્રાપ્ત માહિતીનું વ્યાપક વિશ્લેષણ કર્યું. ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0ની મુખ્ય ઉપલબ્ધિઓ:
- કુલ 565 FIR નોંધવામાં આવી.
- 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
- 193 મ્યુલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી.
- 4052 ગુનાઓની ઓળખ કરવામાં આવી, જેમાંથી 491 કેસ ગુજરાત સાથે સંબંધિત હતા.
- કુલ રૂ. 2289 કરોડની આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ થયો.
આ અભિયાનની અસર બેંકિંગ વ્યવહારોના પેટર્નમાં પણ જોવા મળી. પોલીસના જણાવ્યા અનુસાર, ચેક દ્વારા થતી ઉપાડની લેવડદેવડમાં લગભગ 75 ટકા ઘટાડો નોંધાયો છે. માસિક ચેક ઉપાડ રૂ. 126 કરોડથી ઘટીને માત્ર રૂ. 25 કરોડ રહ્યો, જે લગભગ 80 ટકાના ઘટાડાને દર્શાવે છે.






