કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજી ના ભત્રીજા અભિષેક બેનરજી ની મુશ્કેલીઓ વધી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત રીતે ભડકાઉ અને આપત્તિજનક ભાષણ આપવાને મામલે તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે. ડાયમંડ હાર્બરથી સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ સામાજિક કાર્યકર રાજીવ સરકાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન અનેક સ્થળોએ ભડકાઉ ભાષણ આપ્યાં હતાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને ધમકી આપી હતી.
આ FIR મુજબ સામાજિક કાર્યકર રાજીવ સરકારે પાંચ મેએ ચૂંટણી પરિણામ જાહેર થયાના એક દિવસ બાદ આ ફરિયાદ નોંધાવી હતી. બાગુઇહાટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અભિષેક બેનર્જીએ 27 એપ્રિલથી ત્રીજી મે દરમિયાન યોજાયેલા અનેક ચૂંટણી કાર્યક્રમોમાં ભડકાઉ ટિપ્પણીઓ કરી હતી.
અભિષેક બેનર્જી સામે નોંધાયેલી FIRમાં આરોપ છે કે તેમનાં ભાષણોથી પરસ્પર દુશ્મનાવટ વધવા પ્રોત્સાહન મળ્યું અને જાહેર શાંતિ ભંગ થઈ. તેમાં એ પણ લખાયું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ ધમકીઓ આપવામાં આવી હતી. આ કેસમાં લગાવવામાં આવેલી કેટલીક કલમો બિનજામીનપાત્ર છે, જે તોફાનો માટે ઉશ્કેરણી, જુદાં-જુદાં જૂથોમાં દ્વેષ ફેલાવવો અને ગંભીર ધમકી આપવા સંબંધિત છે. આ ફરિયાદ સાથે અભિષેક બેનર્જીના વિવાદાસ્પદ ભાષણોના વિડિયો અને લિંક્સ પણ પુરાવા તરીકે સોંપવામાં આવ્યાં છે.
રાજીવ સરકારે ફરિયાદ સાથે અનેક ભાષણોની લિંક્સ પણ જમા કરાવી હતી. પોલીસે 15 મેએ બપોરે 2:45 વાગ્યે બિધાનનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ મામલો ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 192, 196, 351(2) અને 353(1)(c) હેઠળ તેમ જ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123(2) અને 125 હેઠળ નોંધાયો છે. આ FIR મુજબ આ ભાષણોમાં કથિત રીતે એવાં ભડકાઉ અને ધમકીભર્યા નિવેદનો હતાં, જેને કારણે જાહેર અશાંતિ ફેલાઈ શકે અને સામ્પ્રદાયિક સૌહાર્દ બગડી શકે. પોલીસે એ પણ આરોપ મૂક્યો છે કે આરોપીએ જાહેર કાર્યક્રમો દરમિયાન વિરોધી પક્ષના કાર્યકરો વિરુદ્ધ આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો હતો.




