નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન બજારના અંદાજ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. શુક્રવારે NSO (નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ ત્રિમાસિક દરમિયાન દેશની GDP વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે, જ્યારે બજારનો અંદાજ 7.3 ટકા હતો. આ પહેલાં ત્રીજા ત્રિમાસિકનો સુધારેલો GDP વૃદ્ધિ દર 8% નોંધાયો હતો. જાન્યુઆરીથી માર્ચ, 2026 દરમિયાન દેશના GDPમાં 7.8 ટકાનો વધારો નોંધાયો છે. આ મજબૂત વૃદ્ધિના કારણે સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતીય અર્થતંત્ર 7.7 ટકાના દરે વધ્યું છે, જ્યારે 2024-25માં આ દર 7.1 ટકા હતો.

નોમિનલ GDP 346 લાખ કરોડ રૂપિયા પાર
સરકારી આંકડા મુજબ FY25માં 7.1 ટકાની સરખામણીએ FY26માં ભારતીય અર્થતંત્ર 7.7 ટકાના ઝડપે વધ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે FY25 માટે પ્રથમ સુધારેલા અંદાજ (FRE) મુજબ વાસ્તવિક GDP 299.89 લાખ કરોડ રૂપિયા હતી, જ્યારે FY26માં તે વધીને 323.12 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. વર્તમાન કિંમતોને આધારે ગણાતી નોમિનલ GDP FY26માં 346.36 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે, જ્યારે FY25માં તે 318.07 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે નોમિનલ GDPમાં 8.9 ટકાનો વધારો નોંધાયો છે.
નાણાકીય વર્ષમાં પણ અનુમાન કરતાં વધુ વૃદ્ધિ
માર્ચ, 2026એ પૂરા થયેલા FY26માં અર્થતંત્રનો વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, જે બજારના 7.5 ટકાના અંદાજ કરતાં વધુ છે. સરકારના જણાવ્યાનુસાર આ સુધારેલી રાષ્ટ્રીય આવક શ્રેણી હેઠળનો બીજો રિપોર્ટ છે, જેમાં આધાર વર્ષ અપડેટ કરવામાં આવ્યું છે અને આંકડાઓના સ્ત્રોતોનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે. એ સાથે જ FY26ની પ્રથમ ત્રિમાસિકના GDP વૃદ્ધિ દરને 6.7 ટકામાંથી વધારીને 6.8 ટકા કરવામાં આવ્યો છે.

સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરે અર્થવ્યવસ્થાને ગતિ આપી
FY26માં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિને સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મજબૂત ટેકો આપ્યો. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિ દર 10.7 ટકા રહ્યો, જે FY25માં 9.3 ટકા હતો. વેપાર, હોટેલ, પરિવહન અને સંચાર સેવાઓમાં 11 ટકાનો વધારો નોંધાયો, જ્યારે એક વર્ષ પહેલાં આ વૃદ્ધિ દર 6.6 ટકા હતો. નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓમાં 10.4 ટકાનો વૃદ્ધિદર નોંધાયો, જે અગાઉના વર્ષમાં 10 ટકા હતી.






