E20 પેટ્રોલની ગુણવત્તા અંગે સરકારની મોટી સ્પષ્ટતા

E20 પેટ્રોલની શુદ્ધતા પર સતત ઉઠી રહેલા પ્રશ્નો અને આશંકાઓ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે મંગળવારે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે ઈંધણની સપ્લાય ચેઈનમાં ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત પેટ્રોલ પહોંચે તે માટે ઉત્પાદનથી લઈને પેટ્રોલ પંપ સુધી દરેક સ્તરે કડક દેખરેખ અને તપાસની મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દિવસે 8 થી 12 વખત થાય છે તપાસ

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરના 87,000 થી વધુ પેટ્રોલ પંપો પર દૈનિક ધોરણે ગુણવત્તા ચકાસવામાં આવે છે:

પાણીની હાજરીની ચકાસણી: પેટ્રોલ પંપ પર દિવસમાં 8 થી 12 વખત પાણીની હાજરીની તપાસ કરવામાં આવે છે, જેથી પેટ્રોલમાં પાણી કે અન્ય અશુદ્ધિઓ ન ભળે.

કેમિકલ સેમ્પલિંગ: તાજેતરમાં જ 2,000 થી વધુ ઈંધણના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ક્લોરાઈડ અને સલ્ફાઈડ જેવી અશુદ્ધિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

સમગ્ર દેશમાંથી માત્ર 2 કિસ્સા સામે આવ્યા

સરકારે આંકડા જાહેર કરતા જણાવ્યું કે દેશવ્યાપી કડક ચકાસણી દરમિયાન સમગ્ર દેશમાંથી માત્ર 2 કિસ્સાઓમાં જ ક્લોરાઈડની ભેળસેળ જોવા મળી હતી.

તત્કાલ કાર્યવાહી: આ ગડબડ સામે આવતા જ સંબંધિત પેટ્રોલ પંપો પરથી ઈંધણનું વેચાણ તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવ્યું હતું અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

કડક ચેતવણી: મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ પણ પેટ્રોલ પંપ પર નિયમોનું ઉલ્લંઘન કે ભેળસેળ જણાશે તો તેમની સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવશે.

ગ્રાહકો અને વાહનચાલકો પર અસર

કેન્દ્રીય મંત્રાલયે દેશવાસીઓને અપીલ કરી છે કે E20 પેટ્રોલની ગુણવત્તાને લઈને ગભરાવાની કે ડરવાની સહેજ પણ જરૂર નથી. મંત્રાલય દ્વારા આપવામાં આવેલી આ સ્પષ્ટતાથી E20 ફ્યુઅલની ગુણવત્તા પર સવાલ ઉઠાવનારાઓને જવાબ મળ્યો છે અને જે વાહનચાલકો આ ઈંધણના ઉપયોગ અંગે શંકા ધરાવતા હતા તેમની આશંકાઓ દૂર થશે.