દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે આયોજિત ‘વાઇકો ઇન પાર્લામેન્ટ’ પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો બોલ્યો હતો.

‘માફ કરવા વાળા પીએમ કોણ છે?’ – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વડાપ્રધાનના તાજેતરના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું, આપણા વડાપ્રધાન કહે છે કે ‘હું તેમને માફ કરું છું.’ મને સમજાતું નથી કે તેઓ તેમને માફ કરવા વાળા કોણ છે? આપણે દેશમાં એક વિચિત્ર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. એક તરફ દેશના વિદ્યાર્થીઓ રસ્તા પર છે અને ભારે પીડા ભોગવી રહ્યા છે. તેઓ પરીક્ષાઓમાં નિષ્પક્ષતા અને કાર્યક્ષમ શિક્ષણ વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ આપણા વડાપ્રધાન તેમને માફ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ભારતના ભવિષ્યને માફ કરવાનો હક તેમને ક્યાંથી મળ્યો તે સમજાતું નથી, પરંતુ તેઓ આ જ કરવા માંગે છે. આ પાછળ પીએમ, તેમના સાથીઓ અને ખાસ કરીને RSS ની બહુ ખતરનાક વિચારધારા કામ કરી રહી છે.
વડાપ્રધાન મોદીનો વીડિયો મેસેજ અને બેકગ્રાઉન્ડ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કરીને Gen-Z યુવાનોને સંબોધિત કર્યા હતા. જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “કેટલાક ટીખળખોર બાળકોએ એવી અભદ્ર ભાષા અને ગાળોનો ઉપયોગ કર્યો જે સભ્ય સમાજને શોભા આપતો નથી. મને ગાળો આપવામાં આવી, મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી. તેમ છતાં હું તે બાળકોને માફ કરવા માંગુ છું.”
વાઇકોના વખાણ અને રાજકીય સાતત્ય
કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ MDMK નેતા વાઇકોની પ્રશંસા કરતા કહ્યું કે જ્યારે પણ તેઓ કોઈ રાજકારણીની સમીક્ષા કરે છે ત્યારે તેમના માટે ‘સાતત્ય’ સૌથી મહત્વપૂર્ણ બાબત હોય છે. વાઇકો પોતાની વિચારધારા પ્રત્યે હંમેશાં સ્પષ્ટ અને સ્થિર રહ્યા છે અને તેમની મિત્રતા લાંબા સમયથી ચાલી આવે છે. વાઇકોની ઉંમરનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, “82 વર્ષની ઉંમરે પણ વાઇકો યુવાન છે કારણ કે તેઓ આજે પણ સવાલો પૂછે છે. સાચો યુવાન એ જ છે જે પ્રશ્નો પૂછવાની હિંમત રાખે છે.”




