સિદ્ધિવિનાયક મંદિરમાં રૂ. 18 કરોડની ચોરીનો રાજ ઠાકરેનો આરોપ

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં દાનની રકમની ચોરી થતી હોવાના આરોપો સામે આવ્યા છે. આ દાવો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે કર્યો હતો. તેમણે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેને લખાયેલા એક પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પાર્ટીની વિદ્યાર્થી શાખા ‘મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેના’ની 20મી વર્ષગાંઠના કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેને લખાયેલા એક પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દર વર્ષે સિદ્ધિ વિનાયક મંદિરમાંથી 18 કરોડ રૂપિયાની ચોરી થાય છે.

મંદિરોમાં પણ ચોરી થઈ રહી છે – રાજ ઠાકરે

રાજ ઠાકરેએ મંદિર ટ્રસ્ટના સભ્યો દ્વારા એકનાથ શિંદેને લખાયેલો પત્ર વાંચીને સંભળાવ્યો, જેમાં દાનની રકમમાં ગેરરીતિ અને ચોરીના આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું આ જ આપણો ધર્મ છે અને શું આ જ આપણાં મંદિરો છે? MNS પ્રમુખે કહ્યું હતું કે જ્યારે દેશનો નિરાશ યુવાન મંદિરમાં જાય છે, ત્યારે તેને ખબર પડે છે કે મંદિરોમાં પણ ચોરી થઈ રહી છે. રામ મંદિરમાં થયેલી ચોરીનો પ્રારંભિક અંદાજ 1400 કરોડ રૂપિયા છે અને સરકારનો એક પણ પ્રતિનિધિ આ મુદ્દે એક શબ્દ બોલવા તૈયાર નથી. શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જેઓ એકલા પૂજા કરવા ગયા હતા, તેમણે આ મુદ્દે વાત ન કરવી જોઈએ? દેશના યુવાનોને સાંપ્રદાયિક ન બનાવો. તેમને રોજગાર આપો. માત્ર ‘જય શ્રીરામ’ના નારા લગાવવાથી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે.

“જેવું વાવશો, એવું લણશો” – PM મોદીના વિડિયો પર રાજ ઠાકરે

રાજ ઠાકરેએ વડા પ્રધાન મોદીને અપીલ કરી કે તેઓ ઓનલાઈન ટ્રોલર્સને સમજાવે કે ભાજપ વિરુદ્ધ બોલનારાઓને ગાળો ન આપે. તેમણે કહ્યું હતું કે જેવું વાવશો, એવું જ લણશો. કોઈને અથવા તેમની માતાને ગાળો આપવી ખોટી બાબત છે. પરંતુ વડા પ્રધાનને એ પણ સમજવું જોઈએ કે બીજાઓની પણ માતા હોય છે. પોતાના કાર્યકરોને કહો કે તેઓ તેમનું પણ સન્માન કરે.

તેમણે કહ્યું હતું કે યુવાનો ખોટા રસ્તે નથી. પરંતુ તેમની મહત્ત્વાકાંક્ષાઓને દબાવી દેવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જેમણે તેમને ગાળો આપી હતી તેવા યુવા પ્રદર્શનકારીઓને તેમણે માફ કરી દીધા છે. પરંતુ નીટ (NEET) પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓનાં માતા-પિતાની માફી કોણ માગશે? યુવાનોની લાગણીઓ અને વિચારોને સમજવું જરૂરી છે.