સ્વ. માધવસિંહ સોલંકીની 99મી જન્મજયંતિએ ‘Solanki Era’ પુસ્તકનું લોકાર્પણ

અમદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીની 99 મી જન્મજયંતિએ એમના જીવનકાર્યને વર્ણવતા એક પુસ્તક Solanki Era (સોલંકી એરા)નું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્વ. માધવસિંહના પુત્ર અને રાજકીય અગ્રણી ભરતસિંહ સોલંકી લિખિત આ પુસ્તકના લોકર્પણ પ્રસંગે સુપ્રસિધ્ધ વક્તાઓ જય વસાવડા, ડો. વિદ્યુત જોશી, કવિ માધવ રામાનુજ અને જાણીતા હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડે સ્વ. માધવસિંહ સોલંકીની સાહિત્યપ્રીતિ અને એમના જાહેરજીવનની વાતો વાગોળી હતી. લોકાર્પણમાં ગુજરાતના નિવૃત્ત મુખ્યસચિવ પ્રવીણ કે. લહેરી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા. રાજકીય અગ્રણીઓ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, ગેનીબહેન ઠાકોર, સિધ્ધાર્થ પટેલ, અમી યાજ્ઞિક સહિત લેખકો અને જાહેરજીવનના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરતસિંહ સોલંકીએ ઉપસ્થિત સૌનો સ્વ. માધવસિંહ સોલંકી પ્રત્યેના પ્રેમ અને લાગણી બદલ આભાર માનતા કહ્યું હતું કે, સ્વ. માધવસિંહભાઇના જીવનની આ જ સાચી મૂડી છે. એમની વાંચનપ્રીતિ અને લોકો માટે કાંઇક કરી છૂટવાની ભાવનાએ એમને સામાન્ય પરિવારના સંતાનમાંથી ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રિય વિદેશ મંત્રીના પદ સુધી પહોંચાડ્યા હતા.