જુલાઈમાં GST વસૂલાતમાં 15.4 ટકા વધી રૂ. 2.11 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ જુલાઈ 2026 દરમિયાન દેશની કુલ ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલાત વાર્ષિક ધોરણે 15.4 ટકા વધીને રૂ. 2.11 લાખ કરોડથી વધુ થઈ છે. ઘરેલુ વ્યવહારો અને આયાતમાંથી વધેલા કર સંગ્રહને કારણે GST આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન માસિક GST વસૂલાત બીજી વખત રૂ. બે લાખ કરોડના આંકને વટાવી ગઈ છે. આ પહેલાં એપ્રિલ, 2026માં ગ્રોસ GST વસૂલાત આશરે રૂ. 2.43 લાખ કરોડ રહી હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ ઉચ્ચ સ્તર છે. નાણાં મંત્રાલય દ્વારા શનિવારે, 1 ઓગસ્ટે જાહેર કરાયેલા આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી હતી.

ગયા વર્ષે જુલાઈ 2025માં ગ્રોસ GST વસૂલાત રૂ. 1.83 લાખ કરોડ હતી, જ્યારે જૂન, 2026માં તે લગભગ રૂ. 1.95 લાખ કરોડ રહી હતી.

આયાત અને ઘરેલુ વ્યવહારોમાંથી વસૂલાતમાં જોરદાર વધારો

જુલાઈ, 2026 દરમિયાન આયાત સંબંધિત GST વસૂલાતમાં 28.8 ટકાનો વધારો નોંધાયો અને તે રૂ. 66,511 કરોડ સુધી પહોંચી હતી. બીજી તરફ, ઘરેલુ વ્યવહારોમાંથી મળતી GST આવક પણ 10.1 ટકા વધીને રૂ. 1.45 લાખ કરોડ થઈ, જે ગયા વર્ષે જુલાઈમાં રૂ. 1.31 લાખ કરોડ હતી.

GSTની વિવિધ શ્રેણીઓમાંથી મળેલી આવક

નાણાં મંત્રાલયના આંકડાઓ અનુસાર, જુલાઈ, 2026માં કુલ GST વસૂલાત રૂ. 2,11,205 કરોડ રહી. તેમાં:

  • કેન્દ્રીય માલ અને સેવા કર (CGST)માંથી રૂ. 39,835 કરોડ
  • રાજ્ય માલ અને સેવા કર (SGST)માંથી રૂ. 47,881 કરોડ
  • ઇન્ટિગ્રેટેડ GST (IGST)માંથી રૂ. 23 લાખ કરોડથી વધુ

આવક પ્રાપ્ત થઈ હતી.

રિફંડ બાદ પણ મજબૂત આવક

જુલાઈ દરમિયાન કુલ GST રિફંડ રૂ. 29,968 કરોડ રહ્યું, જે ગયા વર્ષની સરખામણીએ 13.1 ટકા વધુ છે. રિફંડની રકમ સમાયોજિત કર્યા બાદ સરકારની નેટ GST આવક રૂ. 1.81 લાખ કરોડથી વધુ રહી, જે ગયા વર્ષના રૂ. 1.57 લાખ કરોડની સરખામણીએ 15.8 ટકાનો વધારો દર્શાવે છે. ઘરેલુ સ્તરે નેટ આવક 10.5 ટકા વધીને રૂ. 1.27 લાખ કરોડ થઈ, જ્યારે કસ્ટમ્સ સંબંધિત નેટ GST આવક 30.3 ટકા વધીને રૂ. 54,223 કરોડ સુધી પહોંચી.

રાજ્યોમાં GST વસૂલાતનું ચિત્ર

દેશનાં મુખ્ય રાજ્યોમાં જુલાઈ દરમિયાન GST વસૂલાતમાં સારો વધારો જોવા મળ્યો:

  • મહારાષ્ટ્ર: રૂ. 32,210 કરોડ (13 ટકા વધારો)
  • ગુજરાત: રૂ. 12,923 કરોડ (19 ટકા વધારો)
  • કર્ણાટક: રૂ. 13,854 કરોડ (12 ટકા વધારો)
  • તેલંગાણા: રૂ. 5819 કરોડ (19 ટકા વધારો)
  • ઉત્તર પ્રદેશ: રૂ. 9651 કરોડ (15 ટકા વધારો)