સુરેન્દ્રનગરના બે ડેમ ઓવરફ્લો, નદીનો પાળો તૂટતાં ગામો સંપર્કવિહોણા

સુરેન્દ્રનગર: આજે મેઘરાજાએ જિલ્લાને ઘમરોળ્યું છે. માત્ર 4 કલાકમાં 187 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં અનેક તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. લખતરમાં બે કલાકમાં જ ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામ નજીક આવેલી ઉમઈ નદીનો પાળો તૂટતાં તેના પૂરના પાણી લીલાપુર ગામના ભરવાડ વાસમાં ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોની ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં ભારે નુકસાન થયું છે. ગામમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં લીલાપુર ગામ સંપર્કવિહોણું બન્યું છે.

મુળીનો નાયકા ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા તરફ પહોંચી ગયો હતો. ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા જળસપાટી જાળવી રાખવા માટે ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર શહેરની પાણીની જરૂરિયાતો પૂરો પાડતો મહત્વનો ધોળીધજા ડેમ પણ ૧૦૦% ભરાઈને ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જવાથી ખેડૂતો અને સ્થાનિક નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, પરંતુ સાથે જ જળસ્તર વધતા તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

ધોધમાર વરસાદને પગલે સુરેન્દ્રનગરના લખતરમાં જળભરાવ થયો છે. લખતર ઇગરોડી ગામ સંપર્ક વિહોણું થયુ છે. તમામ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ગામમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ગામલોકોએ તંત્રને રાહત અને બચાવ કામગીરી માટે સંપર્ક કર્યો છે.