મોરબી: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 100% ભરાઈ ગયો. જેના પગલે સમગ્ર વિસ્તાર માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ડેમમાં 14,638 ક્યુસેક પાણીની ભારે આવક થઈ છે. જળાશયની સપાટી નિયંત્રિત રાખવાના પૂર નિયંત્રણ પગલારૂપે બપોરે 12:00 વાગ્યે ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલીને 14,058 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું.
નદીના જળસ્તરમાં તીવ્ર વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા (મીં) તાલુકાના મોરબી શહેર સહિત 32 જેટલા ગામો અને વિસ્તારોને અત્યંત સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી હતી.
હાઈ એલર્ટ હેઠળના વિસ્તારો:
-
મોરબી તાલુકા (22 વિસ્તારો): જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર, વજેપર અને મોરબી શહેર.
-
માળિયા (મીં) તાલુકા (10 ગામો): વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મીં) અને રાસંગપર.
તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવાની તથા સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી.




