નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ પર બુધવારે ભાજપે જોરદાર સવાલો ઉઠાવ્યા હતા. નીટ પેપર લીક મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન માત્ર એક પ્રતીક છે, જ્યારે શિક્ષણનો સાચો વિરોધી RSS છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે દેશની દરેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર RSS સાથે જોડાયેલા લોકો છે. તેમણે કહ્યું હતું કે ખાનગી કંપનીઓ પરીક્ષાઓનું આયોજન કરી રહી છે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર RSSએ કબજો જમાવ્યો છે. તેમણે એ પણ દાવો કર્યો કે પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓના પરિવારોમાં ભાજપ અને RSSનો વિરોધ કરવાની હિંમત નથી, છતાં વિદ્યાર્થીઓ ઊભા રહ્યા અને વિરોધ નોંધાવ્યો હતો.
ત્યાર બાદ ગૃહ મંત્રી અમિત શાહની ગેરહાજરીનો ઉલ્લેખ કરતાં તેમણે પ્રશ્ન કર્યો હતો કે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો હતો. તેમણે સીધા અમિત શાહનું નામ લઈને તેમને જવાબદાર ઠેરવ્યા, જેને કારણે સત્તા પક્ષના સભ્યો દ્વારા હંગામો શરૂ થયો હતો.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનને ખોટું ગણાવતાં સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ તેમની પાસે માફી માગવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બિનજવાબદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે અને ખોટી વાત કરી રહ્યા છે. ત્યાર બાદ લોકસભાના અધ્યક્ષે રાહુલ ગાંધીને ચેતવણી આપી કે તેઓ પુરાવા વિના કોઈ આરોપ ન લગાવે.
🔺The Home Minister ordered the shooting of our students.
🔺He put pellets into the blood of our students.
🔺He ordered the students of India to be shot.: LoP Shri @RahulGandhi in Lok Sabha pic.twitter.com/DWrjb4RnRH
— Congress (@INCIndia) July 29, 2026
રાહુલના શબ્દપ્રયોગ પર રિજિજુએ વાંધો ઉઠાવ્યો
ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં વિચાર્યું કે એક ‘ઇડિયટ’ છે અને એક વિદ્યાર્થી છે. મેં પૂછ્યું કે આ ત્રીજી શ્રેણી ક્યાં આવે છે – અંધભક્ત. આ ત્રણ શ્રેણીઓ છે. અંધભક્ત ઇડિયટને અનુસરે છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ફરી હંગામો થયો. કિરણ રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે. તેના જવાબમાં લોકસભાના અધ્યક્ષે કહ્યું હતું કે જે શબ્દ અસંસદીય ગણાશે તે કાર્યવાહીમાંથી કાઢી નાખવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ઇડિયટ” શબ્દને બદલે તેઓ બીજો શબ્દ વાપરી શકે છે.




