‘વંદે માતરમ’ને લઈને કોંગ્રેસ અને ભાજપ સામસામે

નવી દિલ્હી: ‘વંદે માતરમ’ના ગાનને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ઘમસાણ તેજ બન્યું છે. કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે પાર્ટીના કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના છમાંથી માત્ર બે અંતરા જ ગાવામાં આવશે, જ્યારે જ્યાં કોંગ્રેસની સરકાર હશે ત્યાં તમામ છ અંતરા ગાવામાં આવશે.

ગોવા કોંગ્રેસના કાર્યક્રમમાં માત્ર બે અંતરા ગવાયા

સ્વતંત્રતા દિવસના અવસરે કોંગ્રેસ મુખ્યાલયમાં ‘વંદે માતરમ’નું અપમાન કરવાનો આરોપ લાગ્યા બાદ હવે ગોવા કોંગ્રેસના કાર્યક્રમમાં પણ અપમાનનો આરોપ લાગ્યો છે. ગોવા કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. અહીં ‘વંદે માતરમ’ના છ અંતરામાંથી માત્ર બે અંતરા જ ગાવામાં આવ્યા હતા.

ભાજપે કહ્યું, કોંગ્રેસ માફી માગે

ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે જે પાર્ટી સ્વતંત્રતા આંદોલનની આગેવાની કરવાનો દાવો કરે છે, તેના વર્તમાન નેતૃત્વ દ્વારા ‘વંદે માતરમ’નો તિરસ્કાર કરવામાં આવે તેનાથી વધુ નિંદનીય બાબત બીજી કોઈ હોઈ શકે નહીં. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે આ મામલે માફી માગવી જોઈએ. તેનું કોઈ જ યોગ્ય કારણ કે સ્પષ્ટીકરણ આપી શકાય નહીં.

ખડગેએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો

અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કરતાં મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે  જ્યારે તેઓ પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા, ત્યારે અમિત શાહ બાળક હતા અને હવે તેમને દેશભક્તિ શીખવવામાં આવી રહી છે. ખડગેએ કહ્યું હતું કે ભાજપના પૂર્વજોએ સ્વતંત્રતાની લડાઈ લડી નહોતી, તેથી કોંગ્રેસને દેશભક્તિનો પાઠ ન ભણાવવામાં આવે.

કોંગ્રેસ હેડક્વાર્ટરમાં જે થયું તેનાથી દુઃખી છું

‘વંદે માતરમ’ના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વંશજ સુમિત્રો ચટ્ટોપાધ્યાયે સોનિયા ગાંધીને પત્ર લખીને ‘વંદે માતરમ’ના ગાનને લઈને થયેલા વિવાદ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સુમિત્રો ચટ્ટોપાધ્યાયે લખ્યું કે 15 ઓગસ્ટ 2026એ ભારતની આઝાદીની 80મી વર્ષગાંઠની શુભ સવાર પર, જ્યારે  દેશ ભારત માતાને નમન કરી રહ્યો હતો, ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના હેડક્વાર્ટરમાં જે કંઈ થયું તે માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નથી, પરંતુ એક ઐતિહાસિક ભૂલને બેશરમીથી ફરીથી દોહરાવવા જેવું પણ છે.