નવી દિલ્હીઃ કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરીના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું મૌન તોડવું જોઈએ. કોંગ્રેસે કહ્યું હતું કે જો તેઓ આવું નહીં કરે તો તેને “ચોરોને” તેમનું રક્ષણ માનવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે આ મામલાની તપાસમાં ‘મોટી માછલીઓને’ બચાવવામાં આવી છે. તેમણે મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગ કરી છે.
જયરામ રમેશે X પર કરેલી પોસ્ટમાં આ મામલાને “ચંદા ચોરી, આસ્થા સાથે છેતરપિંડી” ગણાવતાં કહ્યું હતું કે ચાર્જશીટમાં સામે આવેલાં તથ્યો SITની તપાસ અને ‘સરકારી લીપાપોતી’ પર ગંભીર સવાલો ઊભા કરે છે.
FIR નોંધવામાં ૨૧ દિવસ કેમ લાગ્યા?
તેમણે ચાર્જશીટમાં નોંધાયેલા ઘટનાક્રમનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ વર્ષે ચોથી જૂને ગણતરી કક્ષાના બાથરૂમમાંથી ૨.૨૫ લાખ રૂપિયા મળ્યા હોવાનો વિડિયો ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાયને મોકલવામાં આવ્યો હતો અને બીજા દિવસે તેમને CCTV ફુટેજ પણ બતાવવામાં આવ્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે CCTV ફુટેજ, રોકડની જપ્તી અને શંકાસ્પદ કર્મચારીઓની ઓળખ સામે આવી ગઈ હતી, તો FIR નોંધવામાં ૨૧ દિવસ કેમ લાગ્યા? તેમણે પૂછ્યું હતું કે આ ૨૧ દિવસ દરમિયાન આખરે કોને બચાવવાની અને શું છુપાવવાની તક મળી?
चंदा चोरी, आस्था धोखा
हमने पहले दिन से कहा था कि भगवान श्रीराम के अयोध्या मंदिर में चढ़ावे की चोरी की जांच के लिए बनाई गई सरकारी SIT पर देश की जनता को भरोसा नहीं है। अब चार्जशीट में सामने आए तथ्यों ने इस जांच पर और सरकारी लीपापोती पर गंभीर सवाल खड़े कर दिए हैं।
चार्जशीट के… pic.twitter.com/oiujRHgwtp
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 26, 2026
સાક્ષી કેમ બનાવવામાં આવ્યા?
તેમણે વધુમાં સવાલ ઉઠાવ્યો હતું કે SITની તપાસમાં ચઢાવાની રકમને મંજૂરી વિના હટાવવા અથવા છુપાવવાની ૧૦૫ ઘટનાઓ સામે આવી હોવા છતાં તપાસ માત્ર આઠ આરોપીઓ સુધી જ કેમ સીમિત રાખવામાં આવી? ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આરોપી બનાવવાને બદલે સાક્ષી કેમ બનાવવામાં આવ્યા? કોંગ્રેસના મહાસચિવે સવાલ કર્યો કે શું આ મામલાના તાર ભાજપ-RSSના ટોચના નેતૃત્વ સુધી પહોંચે છે. રમેશે કહ્યું કે ભગવાન શ્રીરામના નામે મળેલા ચઢાવાની ચોરીમાં વાસ્તવિક જવાબદારી નક્કી ન થાય ત્યાં સુધી આ મામલો પૂર્ણ માનવામાં આવી શકે નહીં.






