નવી દિલ્હીઃ દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને મતદાર યાદીઓના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિપક્ષે વ્યૂહરચના ઘડી કાઢી છે. ચૂંટણી પંચની કામગીરી અને આંતરિક મતભેદોને લઈને વ્યૂહરચના તૈયાર કરવા માટે 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં INDIA ગઠબંધનના ઘટક પક્ષોની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે.

આ બેઠકનો મુખ્ય એજન્ડા ચૂંટણી પંચ સામે સંયુક્ત વલણ અપનાવવાનો, ચૂંટણી કમિશનરો વચ્ચે સામે આવેલા મતભેદોને લઈને ચૂંટણી પંચને ઘેરવાનો અને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સંસદમાં નવી ઇમ્પિચમેન્ટ એટલે કે હટાવવાનો પ્રસ્તાવ લાવવા અંગે સર્વસંમતિ બનાવવાનો છે. SIR અને ચૂંટણી પંચના વલણને કારણે પશ્ચિમ બંગાળમાં એકબીજાના કટ્ટર વિરોધી પક્ષો તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) પણ આ મુદ્દે એકસાથે આવ્યા છે.
CPI (M)ના મહાસચિવ એમ. એ. બેબીએ INDIA બ્લોક અને અન્ય વિપક્ષી નેતાઓને પત્ર લખીને તાત્કાલિક બેઠક બોલાવવાની અપીલ કરી હતી. તેમણે TMCપ્રમુખ અને પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાતચીત કરી હતી. મમતા બેનર્જીએ પણ સહમતી દર્શાવી હતી કે ચૂંટણી પંચની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ વિરોધ પક્ષોએ એક થઈને કાર્યવાહી કરવાની જરૂર છે.
News Alert! INDIA bloc parties likely to meet in Delhi to discuss EC and other issues on September 30: Sources. pic.twitter.com/Cux99OT0sD
— Press Trust of India (@PTI_News) September 26, 2026
ચૂંટણી પંચની સ્પષ્ટતા
વિવાદ વચ્ચે ચૂંટણી પંચે નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે સંસ્થાકીય ચર્ચા દરમિયાન અલગ-અલગ મંતવ્યો અને વાંધા આવવા સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. પંચના તમામ આદેશોને સંપૂર્ણ કાનૂની મંજૂરી પ્રાપ્ત છે અને કાયદાકીય પ્રક્રિયાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સંસદમાં ‘ત્રીજી’ રિમુવલ નોટિસ લાવવાની તૈયારી
જો વિપક્ષી પક્ષો આ નોટિસ રજૂ કરે છે, તો મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિપક્ષ તરફથી કરવામાં આવતો આ ત્રીજો પ્રયાસ હશે. અગાઉ પણ 23 રાજકીય પક્ષો અને એક અપક્ષ સાંસદે SIR પ્રક્રિયા અને ચૂંટણી સંબંધિત ચિંતાઓને લઈને સીધા દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI)નો સંપર્ક કર્યો હતો.






