રાજસ્થાનમાં ભાજપની હેટ્રિકઃ ગહેલોતના ગઢમાં પણ બાજી મારી

જયપુરઃ ભાજપે રાજસ્થાનના ત્રણ મોટા નગર નિગમ જયપુર, કોટા અને જોધપુરમાં મોટી જીત મેળવી છે. ત્રણેય નગર નિગમમાં ભાજપના મેયર ચૂંટાયા છે. જયપુર અને કોટામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હતી, પરંતુ જોધપુરમાં મુકાબલો ખૂબ જ કટોકટીભર્યો હતો. અહીં પણ ભાજપે જીત મેળવી છે. જોધપુર પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહેલોતનો વિસ્તાર છે, પરંતુ અહીં પણ કોંગ્રેસને ખાલી હાથ રહેવું પડ્યું છે. પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર એક કોર્પોરેટરનો તફાવત હતો.

જયપુરમાં સુનીલ કોઠારી, કોટામાં અનુસુઈયા ગોસ્વામી અને જોધપુરમાં ભાજપના પ્રસન્ન મહેતા મેયર તરીકે ચૂંટાયા છે. આ સાથે હવે શહેરની સરકારમાં રાજસ્થાનના 10માંથી નવ નગર નિગમમાં ભાજપના મેયર હશે, જ્યારે માત્ર બિકાનેરમાં કોંગ્રેસના મેયર બન્યા છે.

જોધપુરમાં ભાજપનો મોટો કમાલ

જોધપુરમાં સૌથી કટોકટીભર્યો મુકાબલો માનવામાં આવી રહ્યો હતો. અહીંના 100 વોર્ડનાં પરિણામોમાં ભાજપે 45 અને કોંગ્રેસે 44 વોર્ડમાં જીત મેળવી હતી. જ્યારે 10 અપક્ષ અને 1 અન્ય કોર્પોરેટર હતા, પરંતુ મેયરની ચૂંટણીમાં ભાજપના પ્રસન્ન મહેતાને 53 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 47 મત મળ્યા. મારવાડનું મહત્વનું શહેર જોધપુર ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતનો ગઢ છે, પરંતુ અહીં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. બંને પક્ષોએ પોતાના કોર્પોરેટરો અને અપક્ષોની વાડાબંધી કરી હતી, તેમ છતાં જીત ભાજપને મળી હતી.

જયપુરમાં ભાજપની મોટી જીત

જયપુર નગર નિગમમાં પણ ભાજપે મોટી જીત મેળવી છે. સુનીલ કોઠારી અહીં મેયર તરીકે ચૂંટાયા છે. તેમને 89 મત મળ્યા, જ્યારે એક મત નોટાને અને 60 મત કોંગ્રેસને મળ્યા હતા.

કોટામાં ભાજપની અનુસુઈયા ગોસ્વામી મેયર બન્યાં

કોટા નગર નિગમની મેયરની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. ભાજપના વોર્ડ નંબર 98ના કોર્પોરેટર અનુસુઈયા ગોસ્વામી મેયર તરીકે ચૂંટાયા છે. મતદાનમાં તેમને 65 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુનીતા સુમનને 35 મત મળ્યા. અનુસુઈયા ગોસ્વામીએ 30 મતના અંતરથી જીત મેળવી છે.