શિયાળામાં મેથીની ભાજી સરસ મળી રહે છે. ત્યારે મેથીના મુઠીયા તળ્યા કે બાફ્યા વિનાનું મુઠીયાનું શાક જમવામાં રંગત લાવશે!
સામગ્રીઃ કાંદા 2, તેલ 3 ટે.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, ચણાનો લોટ 1 ટી.સ્પૂન, દહીં 3 ટે.સ્પૂન, લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, હળદર ½ ટી.સ્પૂન, ધાણાજીરૂ 2 ટી.સ્પૂન, 3 ટામેટાંની પ્યુરી, રાઈ ½ ટી.સ્પૂન, જીરૂ ½ ટી.સ્પૂન
મેથીના મુઠીયા માટેઃ મેથીના પાન 2 કપ, ચણાનો લોટ 2-3 ટી.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, વરિયાળી ½ ટી.સ્પૂન, તેલ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, લીંબુનો રસ ½ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું
લસણની ચટણી માટેઃ આદુ 2 ઈંચ, લસણની કળી 15-20, લાલ મરચાં પાઉડર 1 ટે.સ્પૂન
રીતઃ લસણની ચટણી માટેઃ આદુ તેમજ લસણની કળીને અધકચરા ખાંડી લો અને તેમાં લાલ મરચાં પાઉડર ઉમેરીને ફરીથી થોડું ખાંડીને મિક્સ કરી લો.
મેથીના મુઠીયા માટેઃ એક બાઉલમાં મેથીના પાનને ધોઈને સમારી લેવા. તેમાં અજમો, ધાણાજીરૂ, મરચાં પાઉડર, વરિયાળી, હીંગ, હળદર, લીંબુનો રસ, 1 ચમચી લસણની ચટણી, તેલ તેમજ મીઠું સ્વાદ મુજબ પણ સહેજ ઓછું ઉમેરવું. કારણ કે, મેથીમાં થોડી ખારાશ હોય છે. આ મિશ્રણને હાથેથી મિક્સ કરી લો. જેથી તેમાં રહેલું પાણી છૂટું પડે. હવે તેમાં ચણાનો લોટ 2 ચમચી ઉમેરો અને મિક્સ કરો. જો તેના ગોળા વળે તો મિશ્રણ એક બાજુએ રાખી મૂકો. ગોળા ન વળે તો બીજી એક ચમચી લોટ ઉમેરવો.
શાક બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તેમજ જીરૂ અને હીંગનો વઘાર કરીને કાંદા ઝીણાં સમારીને ઉમેરવા. કાંદા થોડા સાંતળી લીધા બાદ લસણની ચટણીમાંથી 1 ટે.સ્પૂન ચટણી તેમાં ઉમેરીને સાંતળો. ત્યારબાદ સૂકા મસાલા મેળવીને એકાદ મિનિટ સાંતળીને તેમાં 1 ચમચી ચણાનો લોટ મેળવીને થોડો સાંતળો અને ટામેટાંની પ્યુરી મેળવીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો તેલ છૂટું પડે એટલે તેમાં દહીં મેળવીને 2-3 મિનિટ સાંતળીને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ગ્રેવી ઉકળવા દો. ગ્રેવી ઉકળવા આવે એટલે મેથીના મુઠીયાના મિશ્રણમાંથી નાની સાઈઝના ગોળા વાળીને હળવેથી ઉકળતી ગ્રેવીમાં ઉમેરીને ઢાંકણ ઢાંકીને થવા દો. ગેસની આંચ ધીમી રાખવી, મુઠીયાને તરત હલાવવા નહીં. 6-7 મિનિટ બાદ ચમચા વડે એક મુઠીયાને ડીશમાં લઈ જોવું, જો તે ચઢી જાય તો શાકની ઉપર થોડી સમારેલી કોથમીર, ગરમ મસાલો તેમજ લસણની ચટણી ઉમેરીને હળવેથી મિક્સ કરીને શાક ઢાંકીને એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરી દો.
તૈયાર શાક રોટલી, પરાઠા કે ભાખરી સાથે પીરસો.





