SIR માં ગેરરીતિના આરોપોનો મામલો સુપ્રીમ કોર્ટમાં, CEC સામે કાર્યવાહી કરવાની માંગ

નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન વૈધાનિક ફરજોના ઉલ્લંઘન અને ગેરરીતિઓના આરોપસર તેમની સામે ગુનાહિત કાર્યવાહી (Criminal Prosecution) કરવાની માંગ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, ચૂંટણી પંચના અન્ય બે કમિશનરોની મંજૂરી કે જાણ વગર જ SIR પ્રક્રિયા દરમિયાન મહત્વના નિર્ણયો, માર્ગદર્શિકાઓ અને સોફ્ટવેરમાં ફેરફારો કરવામાં આવ્યા હતા.

અરજીમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 32 હેઠળ જ્ઞાનેશ કુમાર, સિનિયર ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગ અને ડિરેક્ટર જનરલ (IT) સીમા ખન્ના સહિતના જવાબદાર અધિકારીઓ સામે FIR નોંધવા અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં કરાયેલા મુખ્ય આરોપો અને માંગણીઓ

  • ફોર્મ-6 માં ગેરકાયદેસર ફેરફાર: અરજીમાં દાવો કરાયો છે કે અન્ય બે ચૂંટણી કમિશનરો (સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી)ના વિરોધ છતાં ECINet પોર્ટલ પર ફોર્મ-6માં ગેરકાયદેસર રીતે સુધારા કરવામાં આવ્યા હતા.

  • SIT તપાસની માંગ: સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ અને સાયબર નિષ્ણાતોની મદદથી ECINet અને ERONet ડેટાબેઝનું ફોરેન્સિક ઓડિટ કરાવવા માટે સ્વતંત્ર તપાસ સમિતિ (SIT) અથવા ન્યાયિક તપાસની માંગ કરાઈ છે.

  • ડેટા સુરક્ષિત રાખવો: ઓક્ટોબર 2025થી લઈને અત્યાર સુધીના તમામ સર્વર લોગ્સ, ડેટાબેઝ, સંચાર અને મેટાડેટાને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષિત રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ ચૂંટણી કમિશનર વિવેક જોશી અને સુખબીર સિંહ સંધુએ છેલ્લા 10 મહિનામાં SIR પ્રક્રિયાને લગતા નિર્ણયો પર 14થી વધુ વખત લેખિત વિરોધ નોંધાવ્યો હતો, જેના પછી આ વિવાદ વધુ ઘેરો બન્યો છે.