નવી દિલ્હી: ધીરેન્દ્ર શાસ્ત્રીએ યોગ ગુરુ બાબા રામદેવના નિવેદનનો જવાબ આપ્યો છે. બાબા રામદેવે તેમનું નામ લીધા વિના જ તેમને દંભી ગણાવ્યા હતા. બાબા બાગેશ્વરે બાબા રામદેવને લઈને કહ્યું કે તેમણે હંમેશાં અમને સ્નેહ આપ્યો છે અને અમે તેમને રક્ષક તરીકે જોયા છે. ચાર દિવસ પહેલાં તેઓ અમારા મંચ પર આવ્યા હતા. હવે તેમણે આવું કહ્યું છે.
અમને નિંદા પણ સ્વીકાર્ય છે અને પ્રશંસા પણ સ્વીકાર્ય છે. કોઈ વાત તેમને લાગી હશે, તેથી તેમણે આવું કહ્યું. ચાર દિવસ પહેલાં તેમણે પ્રશંસા કરી હતી અને આજે નિંદા કરી. અમે હિંદુઓને જોડવા માટે છીએ, તોડવા માટે થોડા છીએ. તેમણે અમારું નામ લીધું નથી. તેઓ ખૂબ સરળ છે. તેમના મનમાં કોઈ વાત આવી હશે, તેથી તેમણે આશીર્વાદ આપ્યા. આ પણ આશીર્વાદ છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે અમે હંમેશાં સંતો માટે હતા અને હિંદુઓ માટે હતા. અમે જોડવા માટે છીએ. અમે કોઈ પણ સંત પર કોઈ ટિપ્પણી કરીશું નહીં. તેઓ જેવા પણ છે, આપણા જ છે. બંને સ્થિતિમાં ખૂબ આનંદ છે. તેમણે જે કંઈ કહ્યું, તે પણ આશીર્વાદ છે. એટલું જ નહીં, વ્યાસપીઠ પરથી લોકોને પણ બોલાવડાવ્યું કે બોલો કે આ પણ આશીર્વાદ છે. તેમણે કહ્યું કે અમે તો ભગવાનના ભરોસે રહીએ છીએ. અમારા માટે બધું જ યોગ્ય છે. આ રીતે બાબા બાગેશ્વરે રામદેવ તરફથી કરવામાં આવેલી ટિપ્પણી પર વિવાદ વધારવાને બદલે નરમ વલણ અપનાવ્યું.
બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન શ્રીકૃષ્ણ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો છે, ત્યારે હવે આ વિવાદમાં યોગગુરુ બાબા રામદેવે પણ ઝંપલાવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન રામદેવે બાબા બાગેશ્વર પર સીધું નિશાન સાધતા લાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમને ‘ધૂર્ત’ અને ‘પાખંડી’ ગણાવ્યા હતા, એટલું જ નહીં પરંતુ તેમની શૈલીની જાહેરમાં મજાક પણ ઉડાવી હતી.




