આ લોકો સત્તા માટે એકબીજા સાથે જોડાય અને અલગ થાય છે : કેજરીવાલ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને શિરોમણી અકાલી દળ (SAD) વચ્ચે થયેલા ગઠબંધન પર તીખો કટાક્ષ કરતા જણાવ્યું છે કે તેમનો પક્ષ સત્તા માટે નહીં, પરંતુ પંજાબની જનતા સાથે જોડાયેલો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમારું ગઠબંધન પંજાબની માતાઓ-બહેનો, અનુસૂચિત જાતિ (SC) સમુદાય, ખેડૂતો અને વેપારીઓ સાથે છે.

કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે અન્ય રાજકીય પક્ષો માત્ર સત્તા ખાતર એકબીજા સાથે જોડાય છે, અલગ થાય છે અને ફરીથી ભેગા થાય છે, જ્યારે આમ આદમી પાર્ટી પંજાબના વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ વચ્ચે બેઠક બાદ ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચેના જોડાણનો સંકેત આપવામાં આવ્યો છે. ભાજપ મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ અને અકાલી દળ પંજાબ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે અને ગુરપૂરબના અવસરે અકાલી દળ ફરીથી એનડીએ (NDA)માં જોડાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ અને અકાલી દળ લાંબા સમય સુધી સહયોગી રહ્યા હતા, પરંતુ ૨૦૨૦માં કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓના મુદ્દે અકાલી દળ ગઠબંધનમાંથી અલગ થયું હતું. ત્યારબાદ બંને પક્ષોએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી અલગ-અલગ લડી હતી. અગાઉ ૨૦૦૭ અને ૨૦૧૨ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષોના ગઠબંધને અનુક્રમે ૬૭ અને ૬૮ બેઠકો જીતી હતી. હવે આ જોડાણથી પંજાબના રાજકારણમાં શાસક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામે નવો પડકાર ઊભો થયો છે.