એન્ટિ-પેપર લીક કાયદામાં સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી

નવી દિલ્હીઃ પેપર લીકવિરોધી કાયદામાં સુધારા સંબંધિત વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે. એ સાથે પેપર લીક સંબંધિત ગુનાઓ માટે સજાની જોગવાઈઓ વધુ આકરી બની છે. નવી જોગવાઈ મુજબ પેપર લીકના કેસોમાં ત્રણ મહિનાની અંદર ચુકાદો આપવામાં આવશે. એ ઉપરાંત, દોષિતોને 10 વર્ષ સુધીની સજા અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

પ્રશ્નપત્ર લીકવિરોધી સુધારા વિધેયક અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ બુધવારે જણાવ્યું હતું કે આ વિધેયક પેપર લીકના સમગ્ર નેટવર્કને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. તેમના જણાવ્યા અનુસાર આ વિધેયક પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા વધારવામાં મદદરૂપ બનશે.

આ સુધારા વિધેયક ભારે હોબાળા બાદ લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. વિધેયક પસાર થયા બાદ શિક્ષણ મંત્રીએ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે લોકસભાએ લોક પરીક્ષા (અનુચિત સાધનો નિવારણ) સુધારા વિધેયક, 2026 પસાર કર્યો છે, જે પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે કડક કાનૂની માળખું ઊભું કરશે. કડક સજા, ઝડપી અદાલતો, વધુ અસરકારક તપાસ પ્રક્રિયા અને પરીક્ષા ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી જેવી જોગવાઈઓ ધરાવતા આ વિધેયકનો હેતુ પ્રશ્નપત્ર લીકના સમગ્ર નેટવર્કને નાબૂદ કરવાનો તેમ જ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા વધારવાનો છે.

નવા કાયદાની મુખ્ય વિશેષતાઓ:

  • દરેક રાજ્યમાં પેપર લીકના કેસોની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. અહીં રોજિંદી સુનાવણી થશે અને 90 દિવસની અંદર ટ્રાયલ પૂર્ણ કરીને સજાની જાહેરાત કરવામાં આવશે.
  • 2024ના કાયદામાં ત્રણ થી પાંચ વર્ષની સજાની જોગવાઈ હતી. હવે તેને વધારીને પાંચથી 10 વર્ષ સુધી કરવામાં આવી છે.
  • અગાઉ પેપર લીક માટે 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ હતી. હવે તેને વધારીને 10 કરોડ રૂપિયા સુધી કરવામાં આવશે.
  • અગાઉ પેપર લીક સંબંધિત કેસોની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીઓ કરતી હતી. હવે આવા કેસોની તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સ (Special Task Force)ની રચના કરવામાં આવશે.