ભારતીય હોકી ટીમની ભગવા જર્સી પર રાજકીય વિવાદ

નવી દિલ્હી ભારતીય હોકી ટીમની નવી જર્સીના રંગને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. હોકી ઇન્ડિયાએ ભારતીય ટીમની જર્સીનો રંગ બદલી નાખ્યો છે. ‘મેન ઇન બ્લુ’ તરીકે ઓળખાતી ભારતીય ટીમ હવે કેસરિયા (ભગવા) રંગની જર્સીમાં જોવા મળશે. નવી જર્સી જાહેર થયા બાદ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી, સુખદેવ ભગત, રાજદ સાંસદ સુધાકર સિંહ, સમાજવાદી પાર્ટીના નેતા ઉદયવીર સિંહ સહિત અનેક નેતાઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે. સંસદ ભવનની બહાર પ્રિયંકા ગાંધીએ જર્સી બદલવાના નિર્ણયને ઇતિહાસ બદલવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશના યુવાનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી ચૂક્યા છે.

પ્રિયંકા ગાંધી: ઇતિહાસને ફરી લખવાનો પ્રયાસ

તેમણે કહ્યું હતું કે તેઓ યુનિફોર્મ બદલે કે શિક્ષણ નીતિ દ્વારા ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે, કંઈ પણ કરે, પરંતુ આ દેશના યુવાનો પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે આપી ચૂક્યા છે. તમે જંતર-મંતર પર એકત્ર થયેલા યુવાનો શું કહી રહ્યા હતા તે જોયું હશે? એ જ દેશનો અવાજ છે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ અહિંસા અને સત્યના આધાર પર લડાયો હતો અને તેમાં RSSની કોઈ ભૂમિકા નહોતી. આખો દેશ આ સત્ય જાણે છે અને જે લોકો પહેલાં જાણતા નહોતા તેઓ પણ હવે તેમના ઇરાદાઓને સમજવા લાગ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ આ આંદોલન ચલાવ્યું હતું અને આ દેશની આત્મા અહિંસા, સત્ય અને ભાઈચારામાં વસે છે.

પૂર્વ ભારતીય હોકી કેપ્ટન: આ શરમજનક છે

ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન વીરેન રસ્કિન્હાએ જર્સીનો રંગ બદલવાના નિર્ણયને શરમજનક ગણાવ્યો. તેમણે X પર લખ્યું હતું કે હોકી ઇન્ડિયાએ ઘણાં સારાં કામ કર્યાં છે, પરંતુ આ નિર્ણય શરમજનક છે. ભારતીય ટીમની ઓળખ અને વારસો હંમેશા બ્લુ રંગ સાથે જોડાયેલો રહ્યો છે. મેં ઘણાં વર્ષો સુધી ગર્વથી બ્લુ જર્સી પહેરી છે. ચાહકો ભારતીય ટીમને બ્લુ રંગમાં જ જોવા માંગે છે. કેસરિયા રંગ પાછળનું તર્ક શો છે?

હોકી ઇન્ડિયાની સ્પષ્ટતા

જર્સીના કેસરિયા રંગને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે હોકી ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી છે. સંસ્થાએ જણાવ્યું કે યુનિફોર્મનો રંગ બદલવાનો નિર્ણય સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની સલાહ તેમ જ તેમની સાથે થયેલી વિસ્તૃત ચર્ચાના આધારે લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ટેકનિકલ હતું.