કેન્દ્રીય કેબિનેટે (Union Cabinet) દેશના બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે 15 મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણયો અંતર્ગત ટ્રાન્સપોર્ટ ક્ષમતા વધારવા, ટ્રાફિકની ભીડ ઓછી કરવા અને પ્રાદેશિક કનેક્ટિવિટી (Regional Connectivity) ને સુધારવાના હેતુથી આશરે રૂ. 9450 કરોડના રોકાણ ધરાવતા 4 રેલવે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ (Railway Multi-tracking Projects) ને લીલી ઝંડી આપવામાં આવી છે. આ ઉપરાંત બિહાર રાજ્ય માટે પણ રૂ. 3590.73 કરોડના ખર્ચે તૈયાર થનારા એક વિશાળ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

4 રેલવે પ્રોજેક્ટ્સથી કયા રાજ્યોને મળશે ફાયદો?
કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા 4 રેલવે પ્રોજેક્ટ્સ દેશના 4 રાજ્યો—પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કુલ 8 જિલ્લાઓમાં ફેલાયેલા હશે. આ રેલવે લાઈનોનો કુલ વિસ્તાર આશરે 410 કિલોમીટર સુધીનો રહેશે.

60 લાખ લોકોને મળશે સીધો લાભ
આ રેલવે પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી આશરે 6448 જેટલા ગામડાઓ રેલ નેટવર્ક સાથે સીધા જોડાઈ જશે, જેનાથી આશરે 60 લાખ જેટલી વસ્તીને સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનાથી દેશના એવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારો સુધી પણ રેલ સુવિધા પહોંચશે, જ્યાં અત્યાર સુધી આ સવલત પહોંચી શકી નહોતી.
ગવર્નમેન્ટના આ નિર્ણયોથી માત્ર મુસાફરી સરળ જ નહીં બને પરંતુ માલસામાનની હેરફેર પણ ઝડપી બનશે, જેનાથી દેશના આર્થિક વિકાસને એક નવી ગતિ મળશે.




