સરકાર ફરી E10 પેટ્રોલ લાવવા કરી રહી છે વિચારણા

ભારતમાં પેટ્રોલને લઈને એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં સમગ્ર દેશમાં E20 પેટ્રોલનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ હવે જૂની પેટ્રોલ કાર અને ટુ-વ્હીલર્સના માલિકોની સુવિધા માટે E10 પેટ્રોલનો વિકલ્પ પણ ફરીથી બજારમાં લાવવા માટે સરકાર વિચારણા કરી રહી છે. E10 પેટ્રોલમાં 10% એથેનોલ અને બાકીનો 90% હિસ્સો પેટ્રોલ હોય છે, જ્યારે હાલના E20 પેટ્રોલમાં 20% એથેનોલ ભેળવવામાં આવે છે. સરકારે હજુ સુધી આ અંગે કોઈ આખરી નિર્ણય લીધો નથી, પરંતુ પ્રારંભિક સ્તરે એ વિચારવામાં આવી રહ્યું છે કે શું જૂના વાહનો માટે E10 પેટ્રોલને E20 ની સાથે જ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ કરાવી શકાય.

E10 પેટ્રોલની જરૂરિયાત કેમ ઊભી થઈ?

આ વિચારણા પાછળનું મુખ્ય કારણ દેશમાં ચાલી રહેલી લાખો જૂની પેટ્રોલ ગાડીઓ છે. ભારતમાં મોટી સંખ્યામાં એવી કાર અને બાઇક છે, જે તે સમયે E10 ઇંધણને ધ્યાન ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી હતી. એટલે કે આ વાહનો માટે 10% સુધીનું એથેનોલ ધરાવતું પેટ્રોલ જ યોગ્ય માનવામાં આવતું હતું. કેટલીક કારોના યુઝર મેન્યુઅલમાં પણ 10% થી વધુ એથેનોલવાળા ઇંધણના ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, Hyundai ના કેટલાક જૂના મોડેલોના મેન્યુઅલમાં E10 થી વધુ એથેનોલથી બચવાની સલાહ અપાઈ હતી.

સરકારનો પક્ષ અને સર્વિસ ડેટા

બીજી તરફ, સરકારનું કહેવું છે કે E20 પેટ્રોલ અંગે વ્યાપક ટેસ્ટ કરવામાં આવ્યા છે અને જૂના વાહનોમાં તેના ઉપયોગથી મોટા પાયે એન્જિન ખરાબ થવાની કોઈ સમસ્યા સામે આવી નથી. સરકારે Maruti Suzuki ના સર્વિસ ડેટાનો પણ હવાલો આપ્યો છે. તે મુજબ, શરૂઆતમાં E20 માટે પ્રમાણિત ન હોય તેવી આશરે 1.5 કરોડ જૂની કારોનો ડેટા તપાસવામાં આવ્યો હતો, જેમાં E20 ના કારણે એન્જિન ફેલ્યોરના કિસ્સા જોવા મળ્યા ન હતા. જોકે, સરકાર એ વાત સ્વીકારે છે કે E20 ના ઉપયોગથી જૂની ગાડીઓની માઇલેજમાં સામાન્ય ઘટાડો આવી શકે છે અને રબરના પાર્ટ્સ, સીલ કે ગેસ્કેટ જેવા કમ્પોનન્ટ ઝડપથી બદલવાની જરૂર પડી શકે છે.

વાહન માલિકોને શું ફાયદો થશે?

જો E10 પેટ્રોલ ફરીથી ઉપલબ્ધ થાય છે, તો જૂની ગાડીઓના માલિકોને ઇંધણ પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. એથેનોલમાં સામાન્ય પેટ્રોલની સરખામણીએ પ્રતિ લીટર ઊર્જા ઓછી હોય છે, તેથી ઓછું એથેનોલ ધરાવતું ઇંધણ વાપરવાથી માઇલેજ પર પડતી અસર ઓછી થશે. જોકે, સરકાર સામે આ નિર્ણય લાગુ કરવામાં સૌથી મોટો પડકાર E10 ની સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશનનો રહેશે. જો E10 અને E20 બંને પેટ્રોલ વેચવામાં આવે, તો ઓઇલ કંપનીઓ અને પેટ્રોલ પંપોએ સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટ અને ડિસ્પેન્સિંગ માટે અલગ-અલગ વ્યવસ્થા ઊભી કરવી પડશે.