કાર માલિક પોતાની જાતે માઇલેજ ચેક ન કરી શકે: E20 ઇંધણ વિવાદ પર નીતિન ગડકરી

નવી દિલ્હી: દેશમાં એથેનોલ-બ્લેન્ડેડ (એથેનોલ મિશ્રિત) પેટ્રોલને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે સામાન્ય કાર માલિક પોતાની ગાડીનું માઇલેજ (ફ્યુઅલ એફિશિયન્સી) જાતે ચોક્કસ રીતે માપી શકતો નથી અને તેના માટે ઓથોરાઇઝ્ડ ડીલર્સ દ્વારા કરવામાં આવતા ટેસ્ટ પર જ નિર્ભર રહેવું જોઈએ.એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં નીતિન ગડકરી એક પત્રકારના સવાલનો જવાબ આપી રહ્યા હતા. આ પત્રકારે દાવો કર્યો હતો કે સરકાર દ્વારા ફરજિયાત કરાયેલા E20 પેટ્રોલનો ઉપયોગ શરૂ કર્યા પછી તેની કારનું સિટી માઇલેજ ઘણું ઘટી ગયું છે.

શું છે સમગ્ર વિવાદ?

પત્રકારે જણાવ્યું કે ૨૦૨૩માં ખરીદેલી તેની કાર (જે E20 સુસંગત છે) તેનું માઇલેજ તાજેતરમાં ૧૧ કિમી/લીટરથી ઘટીને ૭ કિમી/લીટર થઈ ગયું છે. જ્યારે ગડકરીએ પૂછ્યું કે આ ગણતરી કેવી રીતે કરવામાં આવી, ત્યારે પત્રકારે કહ્યું કે તેણે કારના ડેશબોર્ડ ડિસ્પ્લેમાં જોઈને આ ચેક કર્યું છે.

એથેનોલ બ્લૅન્ડિંગ પ્રોગ્રામનો મજબૂત બચાવ કરતા નીતિન ગડકરીએ આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું, “તમે કે હું માઇલેજ ચેક ન કરી શકીએ. કારનું માઇલેજ માત્ર કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલરના મશીન (ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ) દ્વારા જ ચોક્કસ રીતે ચેક કરી શકાય છે.”

સરકારે સ્વીકાર્યું: માઇલેજમાં ૩થી ૫% નો ઘટાડો થઈ શકે છે

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે પોતે જ સ્વીકાર્યું છે કે E20 પેટ્રોલના કારણે કેટલાક વાહનોની ઇંધણ ક્ષમતામાં ૩થી ૫% નો ઘટાડો થઈ શકે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “તે સાચું છે કે કેટલાક વાહનોમાં માઇલેજ ૩-૫% ઘટી શકે છે, પરંતુ ગાડી ચલાવવામાં માત્ર માઇલેજ જ એકમાત્ર પરિમાણ નથી.”

સરકારે ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ ઓછું કરવા માટે ૧ એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત બનાવ્યું છે. જો કે, વાહન ચાલકો અને ઓટોમોબાઈલ ઉદ્યોગના એક વર્ગ દ્વારા આ નીતિનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે જૂના વાહનોમાં આ ઇંધણના પરફોર્મન્સને લઈને ચિંતાઓ સેવાઈ રહી છે.

શું વાહનચાલકો ઘરે બેઠા માઇલેજ ચેક કરી શકે?

ઓટોમોબાઈલ નિષ્ણાતોના મતે, ગડકરીનો દાવો સંપૂર્ણ રીતે સાચો નથી. આધુનિક કારોમાં ડેશબોર્ડ પર દેખાતું માઇલેજ એન્જિન કંટ્રોલ યુનિટ (ECU)ના ડેટા પર આધારિત અંદાજ હોય છે, જે સાચી ગણતરીની ૨થી ૫% ની આસપાસ જ હોય છે.

આ સિવાય, વાસ્તવિક માઇલેજ જાણવા માટે નિષ્ણાતો ‘ફૂલ-ટેન્ક મેથડ’ (ટાંકી આખી ભરીને ટ્રિપ મીટર રીસેટ કરવું અને ફરી પેટ્રોલ ભરાવતી વખતે અંતર સાથે ભાગાકાર કરવો) ને સૌથી સચોટ માને છે.

ડીલરનું મશીન શું કામ કરે છે?

ડીલર પાસે રહેલા ડાયગ્નોસ્ટિક ટૂલ્સ મુખ્યત્વે એન્જિન, ફ્યુઅલ ઇન્જેક્ટર અને સેન્સર્સ બરાબર કામ કરે છે કે નહીં તે તપાસે છે. તે ગાડીમાં રહેલી ખામીઓ શોધી શકે છે, પરંતુ તે વાસ્તવિક રોડ, ટ્રાફિક, એસીનો વપરાશ અને ડ્રાઇવિંગ સ્ટાઇલ જેવી વાસ્તવિક પરિસ્થિતિઓ હેઠળનું માઇલેજ સીધું માપી શકતું નથી. તેથી, ગડકરીનો દાવો ટેકનિકલ ખામીઓ શોધવા માટે સાચો હોઈ શકે, પરંતુ સામાન્ય વપરાશકર્તા માટે ડેશબોર્ડ અને ફૂલ-ટેન્ક રીડિંગ પણ પૂરતું સચોટ છે.