ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૮મો ‘ઉદગમ સુરોત્સવ’ યોજાયો

ગાંધીનગર: ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘૮મો ઉદગમ સુરોત્સવ’ ઉજવાયો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. ગાંધીનગરના ડૉ. બી. આર. આંબેડકર હોલ ખાતે ભારે વરસાદ વચ્ચે પણ સંગીતરસિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. ઉદગમે તેના ૨૯ વર્ષની સામાજિક અને સાંસ્કૃતિક સેવાની પરંપરાને આગળ ધપાવતાં,સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાહિત્ય સભાના હોદ્દેદારો સંજય થોરાત, રમણભાઈ વાઘેલા, કેતનભાઈ નાણાવટી તથા ઉદગમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષી અને ટ્રસ્ટી ચાણક્ય જોષી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ડો. મયુર જોષીએ ટ્રસ્ટની ૨૯ વર્ષની યાત્રા અને સંગીત ઉત્સવના ઉદ્દેશ્ય વિશે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે હેમાબેન ભટ્ટ અને સંજય થોરાતે ટ્રસ્ટની સમાજલક્ષી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.

 સંગીતમય પ્રસ્તુતિઓ

  • સમર્થ જાનવે: પ્રખ્યાત હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક શ્રી સમર્થ જાનવેએ રાગ મેઘમાં “મેઘશ્યામ શ્યામ રંગ તન છાયો” અને “ઉમડ ઘુમડ ઘન ગરજ” તથા રાગ સૂરદાસી મલ્હારમાં “ચમક ન લાગે બિજુરી” રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

  • યુવા કલાકારો: તેમના શિષ્ય દુષ્યંતસિંહે રાગ બાગેશ્રીમાં “પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી” અને “આપને ગરજ પકડ લીની બૈયાં” રજૂ કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો, જેમાં શિષ્ય ભુવને સુંદર સાથ આપ્યો હતો.

  • સિદ્ધાર્થ બેનર્જી: સિદ્ધ વીણાના ખ્યાતનામ વાદક શ્રી સિદ્ધાર્થ બેનર્જીએ રાગ દેશમાં વીણા વાદનની અનોખી છટા રજૂ કરી સમગ્ર હોલને ભાવવિભોર કરી દીધો હતો.

    વિશેષ આકર્ષણ

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમર્થ જાનવે અને સિદ્ધાર્થ બેનર્જી વચ્ચેની અનોખી જુગલબંધી રહી હતી. જેમાં રાગ ખમાજ અને મિશ્ર ખમાજમાં “આન મિલો સજના”, “આયો કહાં સે ઘનશ્યામ” અને મરાઠી અભંગ “માઝે માહેર પંઢરી”ની પ્રસ્તુતિને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ઉત્સવની પૂર્ણાહુતિ રાગ અડાણાની રચના “માત કાલિકા”થી થઈ હતી.

સંગતકાર તરીકે તબલા પર મોહિત સુરાણી અને હાર્મોનિયમ પર દીપેશ સુથારે ઉત્કૃષ્ટ સાથ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સૌમ્ય સંચાલન શ્રીમતી પારુલબેન મેહતા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં ટ્રસ્ટ દ્વારા તમામ કલાકારો અને સંગીતપ્રેમીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.