ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં અમદાવાદને ધ્વજ-બેટન સોંપાશે

ગાંધીનગર: ગુજરાતની રમતગમતની યાત્રામાં એક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. વર્ષ 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ તેના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે, જેને લઈને રાજ્ય સરકાર અને અમદાવાદ શહેર દ્વારા પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 1930માં કેનેડાના હેમિલ્ટનથી શરૂ થયેલી આ વૈશ્વિક રમતગમત સ્પર્ધા 2030માં પોતાના 100 વર્ષ પૂર્ણ કરશે.ગ્લાસગો ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના રવિવારે યોજાનારા સમાપન સમારોહ દરમિયાન ઔપચારિક રીતે યજમાન બેટન (Host Baton) અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અમદાવાદને સોંપવામાં આવશે. આ ખાસ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગ્લાસગો ખાતે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક હેન્ડઓવર સેરેમનીમાં સહભાગી બનશે.

હેન્ડઓવર સેરેમનીના મુખ્ય આકર્ષણો (3 વિશિષ્ટ એક્ટ):

  • પ્રથમ એક્ટ: ‘વંદે માતરમ્’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરાશે.

  • બીજો એક્ટ: સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટીશ પાઇપ પ્લેયર રોસ એન્સલી વચ્ચે શાસ્ત્રીય ભારતીય અને સ્કોટીશ સંગીતની અદ્ભુત જુગલબંધી રચાશે, જે ગ્લાસગો 2026ને અમદાવાદ 2030 સાથે જોડશે.

  • ત્રીજો એક્ટ: સમગ્ર ભારતની સાંસ્કૃતિક યાત્રા અને ખાસ કરીને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને અમદાવાદ 2030ની પ્રથમ ઝલક દર્શાવવામાં આવશે.

74 રાષ્ટ્રોમાં ફરતી બેટનનો રસપ્રદ ઇતિહાસ:

1958માં કાર્ડિફથી શરૂ થયેલી ‘કિંગ્ઝ બેટન રિલે’ કોમનવેલ્થના તમામ 74 રાષ્ટ્રો અને પ્રદેશોમાંથી પસાર થાય છે. ઈતિહાસમાં પ્રથમ વખત દરેક રાષ્ટ્ર અને પ્રદેશને પોતાની સંસ્કૃતિ મુજબ કસ્ટમાઈઝ કરી શકાય તેવી પોતાની આગવી બેટન મળશે, જેમાં કિંગ ચાર્લ્સ III નો વિશિષ્ટ સંદેશ રાખવામાં આવે છે.

ગ્લાસગો 2026 ના આયોજકોના જણાવ્યા અનુસાર, આ હેન્ડઓવર માત્ર એક ઔપચારિકતા નથી પરંતુ આત્મવિશ્વાસથી ભરેલા ભારત અને શતાબ્દી મહોત્સવ તરફ આગળ વધી રહેલા અમદાવાદની ઐતિહાસિક સફરની શાનદાર શરૂઆત છે.