અમદાવાદ: શહેરની ભૂમિકા શજવાણીએ વૈશ્વિક મંચ પર પ્રતિષ્ઠિત ‘Mrs Earth Elite 2026’નો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતીને ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. પર્યાવરણ સંરક્ષણ, સામાજિક જવાબદારી અને મહિલા સશક્તિકરણ જેવા મહત્વપૂર્ણ વિષયોને કેન્દ્રમાં રાખીને ભૂમિકાએ સમગ્ર સ્પર્ધા દરમિયાન પ્રભાવી રજૂઆત કરી હતી.
Mrs Earth Elite સ્પર્ધા માત્ર સુંદરતા નહીં પરંતુ સામાજિક બદલાવ અને પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે જાણીતી છે. ભૂમિકાએ આંતરરાષ્ટ્રીય જજ પેનલ સામે લોકભાગીદારી દ્વારા પર્યાવરણ સંરક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નક્કર પ્રોજેક્ટ્સ અને સ્પષ્ટ વિઝન રજૂ કર્યું હતું. તેમના આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય અને ગ્રાઉન્ડ-લેવલના અભિયાનને જજોએ ખૂબ બિરદાવ્યું હતું.
મહિનાઓની કઠિન પરિશ્રમ અને શિસ્તબદ્ધ તૈયારીઓને કારણે તેમને આ સફળતા મળી છે. ફિટનેસ અને રેમ્પ વૉક ઉપરાંત તેમણે જાહેરમાં વક્તૃત્વ અને પર્યાવરણીય પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. UMB Pageants સંસ્થા તેમજ દેશ-વિદેશના પ્રશંસકો તરફથી ભૂમિકાની આ સિદ્ધિને વ્યાપક આવકાર મળ્યો છે.
જીત અંગે વાત કરતાં ભૂમિકાએ જણાવ્યું હતું કે આ વિજય માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતીય મહિલાઓની ક્ષમતા અને સમાજલક્ષી સોચનું વૈશ્વિક પ્રતીક છે. આગામી સમયમાં તેઓ આ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો ઉપયોગ પર્યાવરણ અને મહિલા સશક્તિકરણના અભિયાનોને વધુ વ્યાપક બનાવવા માટે કરશે.




