જુલાઈમાં UPIએ બનાવ્યો નવો રેકોર્ડ, 23.66 અબજના વ્યવહારો

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ પેમેન્ટની ગતિ સતત નવાં કીર્તિમાનો સ્થાપિત કરી રહી છે. જુલાઈ, 2026 દરમિયાન યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મારફતે થયેલા વ્યવહારો અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (NPCI) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ જુલાઈમાં કુલ 23.66 બિલિયન (અબજ) UPI ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જેની કુલ કિંમત 29.88 ટ્રિલિયન રૂપિયા રહી હતી. જૂનની સરખામણીએ જુલાઈમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 4.1 ટકા અને મૂલ્યમાં 3.3 ટકાનો વધારો નોંધાયો છે.

કેશફ્રી પેમેન્ટ્સના સહ-સ્થાપક રિજુ દત્તાએ આ વૃદ્ધિ અંગે જણાવ્યું કે જુલાઈમાં કોઈ ખાસ મોસમી પ્રસંગ કે મોટી ઘટના નહોતી, જે આ ઉછાળાનું કારણ બની હોય. તેથી સ્પષ્ટ થાય છે કે UPI ટ્રાન્ઝેક્શનમાં થયેલી આ વૃદ્ધિ કોઈ બાહ્ય પરિબળને કારણે નહીં, પરંતુ લોકોના રોજિંદા ઉપયોગમાં સતત વધતી સ્વીકાર્યતા અને ટેવને કારણે થઈ છે. ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં જુલાઈમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો હતો, જ્યારે કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં 19 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

નાનાં શહેરો અને ગામડાં સુધી પહોંચ્યો વ્યાપ

ડિજિટલ પેમેન્ટ હવે માત્ર મોટાં શહેરો કે મહાનગરો પૂરતું મર્યાદિત રહ્યું નથી. પેનિયરબાયના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને CEO આનંદ કુમાર બજાજના જણાવ્યાનુસાર દેશના ટિયર-2, ટિયર-3 શહેરો તેમ જ ગ્રામીણ વિસ્તારોમાં પણ UPI હવે લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. લોકો સ્થાનિક ખરીદી, મોબાઇલ રિચાર્જ, વીજળી-પાણીના બિલની ચુકવણી અને નાણાં ટ્રાન્સફર કરવા જેવાં કામો માટે સતત UPIનો ઉપયોગ કરી રહ્યા છે. અન્ય ડિજિટલ પેમેન્ટ માધ્યમોની વાત કરીએ તો જુલાઈમાં ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) મારફતે 364 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા. જૂનના 354 મિલિયનની સરખામણીએ આ આંકડો ત્રણ ટકા વધુ છે. કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં પણ પાંચ ટકાથી વધુનો વધારો નોંધાયો અને તે 7.12 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચ્યું હતું. જુલાઈમાં IMPS મારફતે દરરોજ સરેરાશ 22,958 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી.

તે જ રીતે, આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) મારફતે જુલાઈમાં 100 મિલિયન ટ્રાન્ઝેક્શન નોંધાયા, જ્યારે તેની કુલ કિંમત વધીને 27,539 કરોડ રૂપિયા થઈ. જૂનમાં આ આંકડો 97 મિલિયન ટ્રાન્ઝેક્શન અને 26,051 કરોડ રૂપિયા હતો.