પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભગવંત માન સરકાર મુશ્કેલીમાં?

ચંડીગઢઃ વિધાનસભા ચૂંટણી પહેલાં જ પંજાબમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે. સફાઈ કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ, બેરોજગાર યુવાનો અને પેન્શન સંબંધિત મુદ્દાઓ સાથે જોડાયેલા લોકો પોતાની માગો માટે સતત પ્રદર્શન કરી રહ્યા છે. જુલાઈની શરૂઆતથી જ ભગવંત માન સરકાર વિવિધ આંદોલનોનો સામનો કરી રહી છે. જુલાઈમાં સફાઈ અને વીજ વિભાગના કર્મચારીઓ, મનરેગા કર્મચારીઓ તેમ જ આમ આદમી ક્લિનિકના કર્મચારીઓ હડતાળ પર રહ્યા હતા.

ભગવંત માન સરકાર સામે સૌથી મોટી પડકારરૂપ હડતાળ સફાઈ સેવકો અને સીવરમેનની રહી. આઠ જુલાઈએ પંજાબની 120 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સફાઈ કર્મચારીઓએ હડતાળ શરૂ કરી હતી. હડતાળને કારણે પંજાબમાં દરરોજ આશરે 470 ટન કચરો ઉઠાવી શકાયો નહોતો.

સફાઈ કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની જાહેરાત

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારના મંત્રી હરજોત સિંહ બૈન્સે સફાઈ કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સરકારે તેમનું વેતન 14,000 રૂપિયાથી વધારીને 20,520 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે આ ઉપરાંત કેટલીક અન્ય માગો સ્વીકારવાનાં પણ વચનો આપ્યાં છે. આ દરમિયાન 21 થી 26 જુલાઈ સુધી પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL)ના 19,000થી વધુ કર્મચારીઓ હડતાળ પર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના પંજાબ અધ્યક્ષ અમન અરોડાએ સ્વીકાર્યું હતું કે આ હડતાળથી ત્રણ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.

રાજ્ય સરકાર સમક્ષ 33 માગો રજૂ

વીજ વિભાગના કર્મચારી નેતા ગુરપ્રીત સિંહે જણાવ્યું કે તેમણે રાજ્ય સરકાર સમક્ષ 33 માગો મૂકી છે. તેમાં 35,400 રૂપિયાનું વેતન અમલમાં મૂકવું, 2020નું પગાર ધોરણ ઘટાડતો આદેશ પાછો ખેંચવો, 18 ટકા મોંઘવારી ભથ્થું આપવું, નિયમિત ભરતી કરવી અને જૂની પેન્શન યોજના (OPS) ફરી અમલમાં મૂકવી જેવી માગો સામેલ છે.

મનરેગા કર્મચારીઓ પણ આંદોલનમાં

ભગવંત માન સરકારને મનરેગા કર્મચારીઓની હડતાળનો પણ સામનો કરવો પડ્યો. મનરેગા કર્મચારીઓ પહેલી જૂનથી હડતાળ પર હતા. તેઓ પાંચ મહિનાના બાકી વેતન ચૂકવવાની અને તેમને કાયમી કરવાની માગ કરી રહ્યા હતા.

આમ આદમી ક્લિનિકના કર્મચારીઓ પણ વિરોધમાં

27 જુલાઈએ પંજાબના તમામ 880 આમ આદમી ક્લિનિકોના ડોક્ટરો, ફાર્માસિસ્ટો અને ક્લિનિકલ આસિસ્ટન્ટોએ એક દિવસની હડતાળ પાળી હતી. આ દરમિયાન ફાર્માસિસ્ટ ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિઓના આરોપોને લઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.