કોમનવેલ્થ ગેમ્સમાં  નીરજ ચોપરા જેવલિન થ્રોની ફાઇનલમાં

ગ્લાસગોઃ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ પુરુષોનું જેવલિન થ્રો ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ખાસ વાત એ રહી કે નીરજ એકલા નહીં, પરંતુ ભારતના ત્રણેય જેવલિન થ્રોઅર્સ ક્વોલિફિકેશનનો પડકાર પાર કરવામાં સફળ રહ્યા હતા. રોહિત યાદવ અને યશવીર સિંહે પણ ઉત્તમ પ્રદર્શન કરીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. બીજી તરફ પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અર્શદ નદીમ પણ આગામી રાઉન્ડમાં પહોંચ્યા છે. નોંધનીય વાત એ છે કે ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજે અર્શદ નદીમ કરતાં વધુ અંતરે ભાલો ફેંક્યો હતો.

નીરજે 79 મીટરનો આંક પાર કર્યો

ગ્લાસગોમાં રમાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાએ પોતાના શ્રેષ્ઠ પ્રયાસમાં 79.61 મીટર દૂર ભાલો ફેંક્યો. તેઓ 84.00 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક સુધી તો પહોંચી શક્યા નહોતા, પરંતુ બંને ક્વોલિફિકેશન ગ્રુપના કુલ પ્રદર્શનને આધારે પાંચમા સ્થાને રહીને 12 ખેલાડીઓના ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. આ સ્પર્ધામાં હવામાન ખેલાડીઓ માટે મોટો પડકાર બન્યું હતું. ગ્લાસગોની ઠંડી અને વાદળછાયા વાતાવરણને કારણે કોઈ પણ એથ્લીટ 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક સુધી પહોંચી શક્યો નહોતો. તેથી ફાઇનલિસ્ટનો નિર્ણય બંને ગ્રુપના શ્રેષ્ઠ પ્રદર્શનને આધારે કરવામાં આવ્યો.

ભારતના ત્રણેય ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા

ભારત માટે સૌથી મોટા આનંદની વાત એ રહી કે તેના ત્રણેય ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા. રોહિત યાદવે 78.37 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે નવમું સ્થાન મેળવી ક્વોલિફાય કર્યું, જ્યારે યશવીર સિંહે 78.36 મીટરના પ્રયાસ સાથે દસમું સ્થાન મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ભારત પાસે મેડલ જીતવા માટે ત્રણ મજબૂત દાવેદારો છે.

રુમેશ થરંગા રહ્યા ટોચ પર

ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રીલંકાના રુમેશ થરંગા પાથિરાજે સૌથી આગળ રહ્યા. તેમણે 82.84 મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. બીજી તરફ, પાકિસ્તાનના અર્શદ નદીમે શરૂઆતના પ્રયાસ પછી અંતરમાં સુધારો કર્યો નહોતો, છતાં 78.63 મીટર સાથે સાતમા સ્થાને રહી ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે સૌની નજર ફાઇનલ મુકાબલા પર રહેશે, જ્યાં નીરજ ચોપરા ફરી એક વાર મોટા મંચ પર ગોલ્ડ મેડલ જીતવાના ઇરાદા સાથે ઊતરશે. ભારતના ત્રણ ખેલાડીઓ ફાઇનલમાં પહોંચતાં દેશની મેડલ જીતવાની આશાઓ પણ વધુ મજબૂત બની છે.