અમદાવાદ: શ્રેયસ ફાઉન્ડેશન ખાતે 15 અને 16 ઓગસ્ટના રોજ ‘ગેમ મેકર્સ મેળા 2026’ (Game Makers’ Mela 2026)ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. છ મહિનાની રાષ્ટ્રીય સફર બાદ યોજાયેલા આ મેળામાં દેશભરમાંથી 22 ફાઇનલિસ્ટ ટીમ, ગેમ ડિઝાઇનર્સ, પબ્લિશર્સ, મેન્યુફેક્ચરર્સ અને શિક્ષકો એકમંચ પર એકઠા થયા હતા.
વિજેતા બોર્ડ ગેમ્સ
સ્પર્ધામાં ભાગ લેનાર 22 ફાઇનલિસ્ટ્સમાંથી ટોચની ત્રણ ગેમ્સની પસંદગી કરવામાં આવી હતી:
-
પ્રથમ સ્થાન (‘દરિયા’ – Dariya): ખલાસી ગેમ્સના સાગ્નિક ઘોષ અને ઋષિકેશ પરીખ દ્વારા ડિઝાઇન કરાયેલી આ ગેમ સમુદ્રમાં માછીમારીના પડકારો અને જોખમો પર આધારિત છે.
-
દ્વિતીય સ્થાન (‘પૂકલમ’ – Pookalam): ચંદ્રશેખર ટી. દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
-
તૃતીય સ્થાન (‘ટ્રેનવાલા’ – Trainwala): અરજીત સહાઈ અને અમિત જોસેફ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને વાર્તાઓ પર આધારિત થીમ્સ
આ મેળાની ખાસિયત એ હતી કે ગેમ્સ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન હતી. પરંતુ તેમાં ભારતીય ઇતિહાસ, તહેવારો અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો:
-
નાયિકા (Naayika): સુધા નંદુરી અને તેમના સહાયક દ્વારા ડિઝાઇન કરાયેલી આ ગેમ ઇતિહાસની વિસ્મૃત અને ક્રાંતિકારી મહિલાઓની સફર દર્શાવે છે.
-
ગણપતિ ગો (Ganpati Go): મુંબઈની અક્ષતા પદ્મનાભન દ્વારા ગણેશ વિસર્જનના અનુભવો પર આધારિત.
-
અન્ય ગેમ્સ: કોલકાતાની દુર્ગા પૂજા આધારિત ‘પુજોર ઢાક’, ઉત્તરાયણની પતંગબાજી પર આધારિત ‘ઉત્તરાયણ’ અને પંચતંત્રથી પ્રેરિત ‘વનરાજ’ જેવી બોર્ડ ગેમ્સ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

શિક્ષણ સાથે ગેમ ડિઝાઇનનો સંગમ
IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL) દ્વારા શાળાના બાળકો માટે શિક્ષણને વધુ રસપ્રદ બનાવતી બોર્ડ ગેમ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે દર્શાવે છે કે ટેબલટોપ ફોર્મેટ શિક્ષણનું શ્રેષ્ઠ સાધન બની શકે છે.
આ અનોખી પહેલ સ્ટુડિયો ક્લોક વર્ક્સના સ્થાપક અને NIDના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રદ્ધા જૈન, એથિકલ હેકર સૌમિલ શાહ અને ‘ધી હાઇવ’ના સ્થાપક કૃતિ શાહના દિમાગની ઉપજ છે. અમદાવાદ, બેંગલુરુ, દિલ્હી, મુંબઈ અને ગંગટોક જેવા 28 શહેરોમાંથી 16 થી 44 વર્ષની વયના 89 સહભાગીઓએ આમાં ભાગ લીધો હતો.






