વણ્યા વિનાના જુવાર-લસણના પરાઠા

ઘણીવાર જુવારના લોટના રોટલા બનાવતા ન આવડતા હોય તો લોટનું ખીરું બનાવીને રોટલા બનાવી શકાય છે. તેમાં જો લસણનો સ્વાદ ઉમેરવામાં આવે તો તે બાળકોને પણ ભાવે તેવા બની શકે છે

સામગ્રીઃ જુવારનો લોટ 2 કપ, આદુનો ટુકડો 2 ઈંચ, લસણની કળી 10-15, લીલા મરચાં 3-4, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, અજમો ½ ટી.સ્પૂન, તેલ અથવા ઘી પરાઠા શેકવા માટે, મીઠું સ્વાદ મુજબ,

રીતઃ એક મોટા બાઉલમાં જુવારનો લોટ લઈ તેમાં આદુ ખમણીને, લસણ તેમજ મરચાં ઝીણાં સમારીને ઉમેરો. સાથે સમારેલી કોથમીર, અજમો, સ્વાદ મુજબ મીઠું મેળવીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ ખીરું બનાવી લો. આ ખીરું બહુ પાતળું કે બહુ જાડું ન હોવું જોઈએ. ખીરું 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.

ત્યારબાદ તવો ગરમ કરી લીધા બાદ તેની આંચ ધીમી-મધ્યમ કરી લો. એક કળછી વડે જુવારના લોટનું ખીરું લઈ, પરાઠાની જોઈતી સાઈઝ પ્રમાણે તવાની મધ્યમાં ગોળ ફેલાવીને રેડી દો. હવે ગેસની આંચ ધીમી કરીને તવો ઢંકાય તેવું ઢાંકણ ઢાંકીને 1-2 મિનિટ બાદ પરોઠું તવેથા વડે હળવેથી ઉથલાવી દો. બંને બાજુએથી પરોઠું તેલ કે ઘી લગાડીને શેકી લો.

આ જ રીતે બધા પરાઠા તૈયાર થાય એટલે દહીં, ચટણી કે અથાણાં સાથે પીરસો.