અમેરિકાના પૂર્વ કિનારાના રાજ્યોમાં વાવાઝોડાનો કહેર; લાખો લોકો વીજળી વિહોણા

વોશિંગ્ટન/ન્યૂયોર્ક: અમેરિકાના પૂર્વ કિનારાના (East Coast) રાજ્યોમાં થેંક્સગિવિંગની ઉજવણી દરમિયાન ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. પ્રતિ કલાક ૭૦ માઈલ (આશરે ૧૧૨ કિમી)ની ઝડપે ફૂંકાયેલા તોફાની પવનો અને ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વૃક્ષો તથા વીજળીના થાંભલા ધરાશાયી થયા છે, જેના પરિણામે લાખો લોકો અંધારપટમાં ધકેલાયા છે અને હવાઈ મુસાફરીને અસર પહોંચી છે.

હવાઈ મુસાફરી ખોરવાઈ, પરેડ મોકૂફ રાખવી પડી: ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા અનુસાર, ખરાબ હવામાનને કારણે અમેરિકામાં ૪૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે ૨,૪૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. વોશિંગ્ટન અને ન્યૂયોર્ક સિટીના મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાન અને તેજ પવનની ચેતવણીને પગલે ન્યૂયોર્કની વિખ્યાત ‘મેસીઝ થેંક્સગિવિંગ ડે પરેડ’ (Macy’s Thanksgiving Day Parade) શનિવાર સુધી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. આ પરેડના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં તે પ્રથમ વખત ખરાબ હવામાનને કારણે તેને મુલતવી રાખવામાં આવી છે.

૯ લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ: વાવાઝોડાની તીવ્રતા વધતા એક તબક્કે અમેરિકામાં ૯.૬૧ લાખથી વધુ વીજ ગ્રાહકોનો પુરવઠો ખોરવાયો હતો, જે ગુરુવાર મોડી રાત સુધીમાં ૯ લાખથી વધુ રહ્યો હતો. વર્જિનિયા, મેરીલેન્ડ અને પેન્સિલવેનિયામાં સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં પ્રત્યેક રાજ્યમાં ૧.૩૫ લાખથી ૧.૮૦ લાખથી વધુ ગ્રાહકો વીજળી વિહોણા બન્યા હતા. આ ઉપરાંત ન્યૂજર્સી, મિઝોરી, ડેલાવેર અને નોર્થ કેરોલિનામાં પણ હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મેરીલેન્ડમાં વીજ વિક્ષેપને કારણે વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ્સને અસર થતાં અંદાજે ૧૯ લાખ ગ્રાહકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

દરિયાકાંઠે પૂરની ચેતવણી: અમેરિકાની નેશનલ વેધર સર્વિસ (NWS) એ વર્જિનિયાથી લઈને ન્યૂયોર્ક અને ન્યૂ ઈંગ્લેન્ડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ઊંચા મોજાંને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ધીમે ધીમે ન્યૂ ઈંગ્લેન્ડ તરફ આગળ વધી રહ્યું છે, જોકે શુક્રવારે પણ પૂર્વ કિનારાના વિસ્તારોમાં ૩૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.