તિરુપતિ: વર્ધમાન જૈન અને તેમના પત્ની રાધિકા જૈને તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને ૧૨૧ કિલો સોનાના આભૂષણો અર્પણ કર્યા છે. ગુરુવારે (૨૬ નવેમ્બર, ૨૦૨૬) આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની ઉપસ્થિતિમાં આ ભવ્ય દાન અર્પણ કરવામાં આવ્યું હતું. વર્ધમાન જૈન ચેન્નાઈ સ્થિત જાણીતા ઉદ્યોગપતિ અને ‘એક્સેસ હેલ્થકેર’ (Access Healthcare)ના સ્થાપક છે.
₹૨૦૭.૬ કરોડના ૪૬ ખાસ આભૂષણો
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD) ના જણાવ્યા અનુસાર, ઘડામણ ખર્ચ સહિત આ ૨૪ કેરેટ સોનાના દાનની અંદાજિત કિંમત ₹૨૦૭.૬ કરોડ જેટલી થાય છે. કુલ ૧૨૧ કિલો સોનામાંથી ૧૦૬ કિલો સોનાનો ઉપયોગ તિરુમાલા ખાતે ભગવાન વેંકટેશ્વરના મુગટ, હાર, બાજુબંધ અને કમરપટ્ટા સહિતના આભૂષણો બનાવવા માટે કરાયો છે. જ્યારે બાકીના ૧૫ કિલો સોનામાંથી તિરુચાનૂર મંદિરમાં દેવી પદ્માવતી માટે સુવર્ણ વસ્ત્ર તૈયાર કરવામાં આવશે. આ આભૂષણોમાં ૨૩૮.૨ કેરેટ હીરા અને ૨,૨૪૭.૭ કેરેટ અન્ય કિંમતી રત્નો જડેલા છે. આગમ શાસ્ત્રના નિયમો અનુસાર કુશળ કારીગરો દ્વારા ૧૫ મહિનામાં આ આભૂષણો તૈયાર કરવામાં આવ્યા હતા.
કોણ છે વર્ધમાન જૈન?
વર્ધમાન જૈન હેલ્થકેર ટેકનોલોજી અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમણે ચેન્નાઈની લોયોલા કોલેજમાંથી સ્ટેટિસ્ટિક્સમાં સ્નાતક અને યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ ઓસ્ટિનમાંથી કમ્પ્યુટર સાયન્સમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. વર્ષ ૧૯૯૭માં હેલ્થકેર સેવાઓથી કારકિર્દી શરૂ કરનાર જૈને ‘એક્સેસ હેલ્થકેર’ની સ્થાપના કરી હતી. વર્ષ ૨૦૨૫માં તેમણે આ કંપનીનો ૭૦ ટકા હિસ્સો અંદાજે ૨ બિલિયન ડોલરમાં એક અમેરિકન કંપનીને વેચ્યો હતો.
અગાઉ પણ કરોડોનું દાન કરી ચૂક્યા છે
વર્ષ ૨૦૧૯થી વર્ધમાન જૈન ટીટીડી (TTD) સાથે જોડાયેલા છે અને અગાઉ પણ તેમણે મંદિર ટ્રસ્ટને ઇલેક્ટ્રિક બસો, ₹૧ કરોડનું સિક્કા ગણવાનું મશીન, ₹૫ કરોડનો પશુ આહાર પ્લાન્ટ અને એસવીબીસી (SVBC) ચેનલ માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. આ ઉપરાંત, તેઓ ‘આવિષ્કાર’ અને ‘સરિતા જૈન ફાઉન્ડેશન’ દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ સેવાકીય કાર્યો કરે છે.




