પાકિસ્તાન પહોંચતા જ બાંગ્લાદેશના સ્પીકરે ભારત વિરૂદ્ધ ટિપ્પણી કરી

ઈસ્લામાબાદ: બાંગ્લાદેશની સંસદના સ્પીકર હાફિઝ ઉદ્દિન અહેમદે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત વિરુદ્ધ ઉગ્ર અને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. બુધવારે ઈસ્લામાબાદ સ્થિત સંસદ ભવન ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે દાવો કર્યો હતો કે ૧૯૭૧ના યુદ્ધમાં ભારતે બંગાળીઓને મદદ કરવાને બદલે માત્ર પાકિસ્તાનને નબળું પાડવાનું કામ કર્યું હતું. ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીનાની સરકારના પતન બાદ નવી દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધોમાં આવેલા તણાવ વચ્ચે તેમના આ નિવેદનોએ નવો વિવાદ જગાડ્યો છે.

૧૯૭૧ના યુદ્ધ અને શેખ હસીના અંગે વિવાદાસ્પદ દાવા: અહેમદે આક્ષેપ કર્યો હતો કે શેખ હસીનાના ૧૫ વર્ષના શાસન દરમિયાન બાંગ્લાદેશ પ્રભાવી રીતે ભારતની ‘કોલોની’ બની ગયું હતું, જેનાથી દેશની જનતાને નુકસાન થયું. તેમણે દાવો કર્યો કે ૧૯૭૧માં બંગાળીઓ લોકશાહીની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમને તે અધિકાર મળ્યો નહીં.

ઓગસ્ટ ૨૦૨૪થી ભારતમાં આશ્રય લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અંગે બોલતાં તેમણે કહ્યું કે જો હસીના બાંગ્લાદેશ પરત ફરશે તો તેમને સીધા જેલમાં મોકલી દેવામાં આવશે અને આગામી ઓછામાં ઓછા ૧૦ વર્ષ સુધી તેમના પરત ફરવાની શક્યતા ઓછી છે. તેમણે હસીનાના પ્રત્યાર્પણનો ઇનકાર થવાની સ્થિતિમાં બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) માં જઈ શકે છે તેવી વાત પણ કરી હતી, જોકે તેનો કોઈ કાયદાકીય આધાર રજૂ કર્યો ન હતો. આ ઉપરાંત તેમણે અવામી લીગને ‘આતંકવાદી પાર્ટી’ ગણાવી હતી અને ફેબ્રુઆરી ૨૦૨૬ની સામાન્ય ચૂંટણીને મુક્ત અને નિષ્પક્ષ ગણાવી હતી.

કાશ્મીર અને ફૂટબોલ મેચનો ઉલ્લેખ: કાશ્મીર મુદ્દે બાંગ્લાદેશના સ્પીકરે પાકિસ્તાનના વલણને સમર્થન આપતા જણાવ્યું કે આ વિવાદ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના ઠરાવો મુજબ ઉકેલાવો જોઈએ. તેમણે ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની એક્ઝિક્યુટિવ કમિટીમાં બાંગ્લાદેશના ઉમેદવારને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની પ્રશંસા પણ કરી હતી.

એક અલગ કાર્યક્રમમાં તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તાજેતરમાં ઢાકાના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ૨૦૨૬ની SAFF ચેમ્પિયનશિપ ફૂટબોલ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૨–૧થી હરાવ્યું હોવા છતાં સ્ટેડિયમમાં હાજર મોટાભાગના દર્શકો પાકિસ્તાની ટીમને સમર્થન આપી રહ્યા હતા.

પાકિસ્તાનની મુલાકાતે બાંગ્લાદેશના પ્રથમ સ્પીકર: હાફિઝ ઉદ્દિન અહેમદ પાકિસ્તાન આર્મીના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે અને ૧૯૬૮માં પાકિસ્તાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન પણ હતા. તેઓ ૨૩થી ૨૯ નવેમ્બર દરમિયાન પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતે છે, જે બાંગ્લાદેશના કાર્યરત સંસદીય સ્પીકરની પાકિસ્તાનની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ પ્રવાસ દરમિયાન તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ મુલાકાત કરી છે.