દાહોદ: જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાયો. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ અને અભ્યાસ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તાલીમ વર્ગમાં જિલ્લા અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રસંગોચિત ઉદબોધન આપતાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પાયાના ગ્રામીણ પ્રશ્નોના ઉકેલ માટે લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પીવાનું પાણી, રસ્તા, કચરા વ્યવસ્થાપન, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, કૃષિ, મહિલા શિક્ષણ, રોજગારી અને આવાસ જેવા સ્થાનિક પ્રશ્નોને સરકારી યોજનાઓ અને સહયોગના અસરકારક ઉપયોગથી ઉકેલી શકાય છે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બે રાજ્યોની સરહદ ધરાવતા દાહોદ જિલ્લાને રાજ્યમાં અગ્રેસર બનાવવા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પરસ્પર સમન્વય અને કટિબદ્ધતાથી કામ કરવાનું રહેશે.
આ તાલીમ કાર્યક્રમ દરમિયાન માસ્ટર ટ્રેનર્સ દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થાનું માળખું, ગ્રામીણ વિકાસ આયોજન, નાણાકીય વ્યવસ્થાપન તેમજ ચૂંટાયેલા હોદ્દેદારોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય, દાહોદ; મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય, ગરબાડા; મહેશભાઈ ભુરીયા,ધારાસભ્ય, ઝાલોદ; જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, DRDA નિયામક તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




