દેશની રાજધાની દિલ્હીના ટીકરી કલાં વિસ્તારમાં આવેલા એક CNG પંપ પર ગેસ રીફિલિંગ દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃત્યુ પામેલા ત્રણેય વ્યક્તિઓ CNG પંપ પર જ નોકરી કરતા કર્મચારીઓ હતા. અચાનક થયેલા ધડાકા બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ અને વિમલ કૌશિકના અહેવાલ મુજબ, આ અકસ્માત તે સમયે થયો જ્યારે એક ટ્રકમાં CNG ગેસ ભરવામાં આવી રહ્યો હતો. રીફિલિંગની પ્રક્રિયા દરમિયાન જ અચાનક ભયાનક વિસ્ફોટ થયો હતો. આ ધડાકો એટલો તીવ્ર હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. મૃતકોમાંથી એક કર્મચારીની ઓળખ બાબા હરિદાસ કોલોનીના રહેવાસી 25 વર્ષીય મનીષ તરીકે થઈ છે, જ્યારે બાકીના બે પણ પંપના કર્મચારીઓ જ હતા.

બપોરે 3:46 વાગ્યે ફાયર બ્રિગેડને આ બ્લાસ્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થિતિ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
વિસ્ફોટના કારણે પંપ પરિસર અને આસપાસના માળખાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સુરક્ષાના ભાગરૂપે સીએનજી પંપને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. પોલીસે તપાસ માટે સંબંધિત ટ્રકને જપ્ત કરી લીધી છે અને આ વિસ્ફોટ ગેસ પૂરતી વખતે કેવી રીતે થયો તે દિશામાં ઘેરી તપાસ શરૂ કરી છે.






