દિલ્હીના સત્ય નિકેતનમાં મોટી દુર્ઘટના

રાજધાની દિલ્હીના સાઉથ કેમ્પસ નજીક આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં બનેલી 80 વારના પ્લોટમાં સ્થિત 4 માળની એક પીજી (PG) ઈમારત અચાનક ભળભળ કરતી ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ NDRF, દિલ્હી ફાયર સર્વિસ, દિલ્હી પોલીસ અને MCD સહિતની વિવિધ એજન્સીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

બેસમેન્ટના કામને કારણે નીવ નબળી પડી?

પ્રાથમિક માહિતી અનુસાર, આ ગ્રાઉન્ડ પ્લસ 4 માળની ઈમારતના બેસમેન્ટમાં રિપેરિંગ અને ખોદકામનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે ઈમારતનો પાયો નબળો પડી ગયો હતો અને સમગ્ર મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. ‘હોસ્ટેલ ડેઝ’ નામની આ બોય્ઝ પીજીમાં સાઉથ કેમ્પસની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ રહેતા હતા. રવિવારનો દિવસ હોવાથી સદનસીબે ઘણા વિદ્યાર્થીઓ બહાર ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ અટકી હતી. છતાં કેટલાક વિદ્યાર્થીઓ મલબા નીચે ફસાઈ ગયા હતા, જેમાંથી 5 જણાને બહાર કાઢીને ગંભીર હાલતમાં સારવાર અર્થે AIIMS ખસેડાયા છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ, બચાવ કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, “દિલ્હી ફાયર સર્વિસ, NDRF, દિલ્હી પોલીસ, CATS અને સિવિલ ડિફેન્સની ટીમો સતત રાહત કામગીરીમાં જોડાયેલી છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઈમારતોને પણ ખાલી કરાવવામાં આવી છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.”

ચશ્મદીદોએ વર્ણવ્યા દ્રશ્યો

ઘટનાસ્થળે હાજર ચશ્મદીદોના જણાવ્યા મુજબ, બિલ્ડિંગ અચાનક ધડાકાભેર નીચે પડી ગઈ હતી અને તેની અસરથી બાજુની બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે. રૂમની અંદર હાજર રહેલા વિદ્યાર્થીઓ ક્ષણભરમાં મલબા નીચે દબાઈ ગયા હતા. હાલમાં પીજીના રજીસ્ટ્રેશન રેકોર્ડના આધારે બિલ્ડિંગમાં હાજર કુલ વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે, જ્યારે રેસ્ક્યૂ ટીમ દ્વારા કાટમાળ ખસેડવાનું કામ સતત ચાલુ છે.