ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારનો ‘મિશન 2029’ રોડમેપ

કેન્દ્ર સરકારનો નશા સામે આકરો પ્રહાર: અમિત શાહે ‘મિશન 2029’નો રોડમેપ જાહેર કર્યો, ડ્રગ્સ નેટવર્ક જડમૂળથી ખતમ કરવાનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે દેશની યુવા શક્તિને નશાથી મુક્ત કરાવવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે નશીલા પદાર્થો સામે ‘મિશન મોડ’ અભિયાનની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2026 થી 2029 સુધીનો એક વ્યાપક રોડમેપ તૈયાર કર્યો છે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે હવે સિક્યુરિટી એજન્સીઓ માત્ર સ્થાનિક કક્ષાના નાના ગુનેગારો કે પેડલરોની ધરપકડ કરવા સુધી સીમિત નહીં રહે, પરંતુ ડ્રગ ટ્રાફિકિંગના આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય નેટવર્કને સંપૂર્ણપણે ધ્વસ્ત કરશે.

 

આગામી 3 વર્ષમાં 100 મોટા નેટવર્ક અને 100 ભાગેડુઓ લક્ષ્યાંક પર

ગૃહમંત્રીએ જણાવ્યું કે 2026 થી 2029 દરમિયાન સરકારે 100 થી વધુ મોટા આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ડ્રગ નેટવર્કને તોડી પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત, વિદેશ ભાગી ગયેલા ડ્રગ તસ્કરોમાંથી 100 થી વધુ ભાગેડુઓને પ્રત્યાર્પણ દ્વારા ભારત પાછા લાવવામાં આવશે. ગેરકાયદેસર સિન્થેટિક ડ્રગ્સ અને કેમિકલ બનાવતી 100 ગુપ્ત લેબોરેટરીઓ પણ એજન્સીઓના નિશાના પર છે. આ મેગા ઓપરેશનમાં BSF, CISF, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ્સ, DRI, CBI, ED, NCB અને તમામ રાજ્યોની પોલીસ એકસાથે મળીને કામ કરશે.

2014 થી 2026 દરમિયાન 1.19 કરોડ કિલો ડ્રગ્સ જપ્ત

સરકારની ઉપલબ્ધિઓ દર્શાવતા અમિત શાહે કહ્યું કે, 2004 થી 2014 વચ્ચે માત્ર 26 લાખ કિલો માદક પદાર્થો જપ્ત થયા હતા, જ્યારે 2014 થી 2026 વચ્ચે આ આંકડો વધીને 1 કરોડ 19 લાખ કિલોથી વધુ થઈ ગયો છે, જેની બજાર કિંમત આશરે રૂ. 1.89 લાખ કરોડ છે. આ સિવાય 2014 થી 2026 ના ગાળામાં 48.66 લાખ કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે.

ડાર્કનેટ અને ક્રિપ્ટો પેમેન્ટ પર કડક નજર

સરકારે 2019થી ચાર સ્તરીય ‘નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર’ (NCORD) અને એન્ટી-નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના કરીને તપાસ એજન્સીઓ વચ્ચે તાલમેલ વધાર્યો છે. ડ્રગ્સના નાણાકીય સ્ત્રોતો, ડાર્કનેટ, ક્રિપ્ટોકરન્સી થકી થતા પેમેન્ટ્સ અને એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન પર દેખરેખ સખત કરાઈ છે. આ સાથે ‘MANAS’ હેલ્પલાઈન 1933 દ્વારા નશાની લતમાં ફસાયેલા યુવાનોના પુનર્વસન (Rehabilitation) પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.