પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તૂનખ્વા (KP) પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન (DI Khan) જિલ્લામાં શનિવારે એક સનસનાટીભર્યો આત્મઘાતી વિસ્ફોટ થયો છે. જિલ્લાના દરાજિંદા વિસ્તારમાં આવેલી ‘અમન મેલા’ પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા આ ભયાનક હુમલામાં 12 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 35 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

વિસ્ફોટકોથી ભરેલી કાર ચેકપોસ્ટ સાથે અથડાવી
‘ડોન’ (Dawn) ના અહેવાલ મુજબ, આતંકી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા એક વાહનને અમન મેલા ચેકપોસ્ટની બહારની દીવાલ સાથે જોરદાર ધમાકા સાથે અથડાવી દીધું હતું. ધમાકો એટલો પ્રચંડ હતો કે સુરક્ષા ચેકપોસ્ટ ક્ષણવારમાં જ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને નજીક આવેલું એક મકાન સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું હતું. આસપાસની ઇમારતો અને ટ્રાન્સપોર્ટ કોરિડોર પર પાર્ક કરેલા અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. વિસ્ફોટના કારણે સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક નાગરિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
રેસ્ક્યૂ એમ્બ્યુલન્સ પર પણ આંતકીઓનું ગોળીબાર
ધમાકાના તુરંત બાદ એક અત્યંત શરમજનક ઘટના સામે આવી હતી. જ્યારે ‘રેસ્ક્યૂ 1122’ ની એમ્બ્યુલન્સ પીડિતોના મૃતદેહો અને ઘાયલોને લઈ જઈ રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના પર પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 1 બચાવકર્મીનું મોત થયું હતું અને અન્ય 2 કર્મચારીઓ ઘાયલ થયા હતા. ડીઆઈ ખાનના રિજનલ પોલીસ ઓફિસર (RPO) ગુલામ મુબારક માકેનના જણાવ્યા મુજબ, મૃતકોમાં કસ્ટમ્સ વિભાગના 1 અધિકારી અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.
ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સતત વધતી હિંસા
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત છેલ્લા ઘણા સમયથી હિંસા અને અશાંતિની ચપેટમાં છે. આ જ મહિનાની 18 મી તારીખે કોહાટ જિલ્લાના પોલીસ લાઇન વિસ્તારમાં શુક્રવારની નમાજ સમયે થયેલા આત્મઘાતી હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેપીના ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ વરિષ્ઠ અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવાના આદેશ આપ્યા છે.



