કોમેડિયન ભારતી સિંહનો જેલવાસ ટળ્યો

મુંબઈઃ 2020માં કેફી દ્રવ્યોના એક કેસમાં અહીંના એક મેજિસ્ટ્રેટે ટીવી કોમેડિયન ભારતી સિંહ અને એનાં પતિ હર્ષ લિંબાચિયાને મંજૂર કરેલા જામીન રદ કરવાનો સ્પેશિયલ કોર્ટે ઈનકાર કર્યો છે. કોર્ટે ઠેરવ્યું છે કે દંપતીની જામીન અરજીઓનો વિરોધ ન કરવાની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ જ ભૂલ કરી હતી. તદુપરાંત એણે કોર્ટમાં પ્રોસિક્યૂટર કે તપાસનીશ અધિકારીને હાજર પણ રાખ્યો નહોતો.

ભારતી અને હર્ષની નિર્માણ કંપનીની ઓફિસ તથા નિવાસસ્થાનમાંથી 86.5 ગ્રામ ગાંજા મળી આવ્યા બાદ 2020ની 22 નવેમ્બરે એમની ધરપકડ કરવામાં આવી હતી. બીજા જ દિવસે એમણે જામીન માટે અરજી નોંધાવી હતી અને એ જ દિવસે તે મંજૂર કરી લેવામાં આવી હતી. હવે એનસીબી એજન્સીએ એમ કહીને સ્પેશિયલ કોર્ટમાં દલીલ કરી હતી કે દંપતીને જામીન મંજૂર કરવાનો મેજિસ્ટ્રેટનો નિર્ણય ગેરકાયદેસર હતો, કારણ કે પોતાની દલીલ સંભળાવવાની તેને તક આપવામાં આવી નહોતી. પરંતુ સ્પેશિયલ કોર્ટે કહ્યું કે, વાસ્તવમાં, આમાં પ્રોસિક્યૂશનની જ ભૂલ છે, કારણ કે એજનસીને તેનો પ્રત્યુત્તર નોંધાવવાની તક આપવામાં આવી જ હતી, પણ એણે જામીનનો વિરોધ કરતી અરજી નોંધાવી નહોતી અને કોર્ટમાં પોતાનો પ્રોસિક્યૂટર કે તપાસનીશ અધિકારીને હાજર રાખ્યા નહોતા.