સ્વરા ભાસ્કર ગર્ભવતી થઈ છે; ટ્વિટર એકાઉન્ટ પર બતાવ્યું બેબી બમ્પ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર મા બનવાની છે. લગ્ન કર્યાંના સાડા ત્રણ મહિના પછી એણે તેનાં ચાહકોને ખુશખબર આપ્યાં છે. સ્વરાએ પોતાનું બેબી બમ્પ બતાવતો એક ફોટો ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. એમાં તેની સાથે એનો પતિ ફહાદ એહમદ પણ છે. ફોટામાં સ્વરાએ કેપ્શનમાં લખ્યું છેઃ ‘ક્યારેક તમારી બધી પ્રાર્થના એક સાથે સાંભળી લેવામાં આવે છે. હવે એક સાવ નવી જ દુનિયામાં પ્રવેશ કરવા માટે હું ખૂબ જ રોમાંચિત થઈ છું અને કૃતજ્ઞ છું.’ આ ટ્વીટ સાથે સ્વરાએ ‘કમિંગ સૂન’, ‘ફેમિલી’, ‘ઓક્ટોબર બેબી’ જેવા હેશટેગ મૂક્યાં છે. આનો અર્થ એ કે સ્વરા આ વર્ષના ઓક્ટોબર મહિનામાં મા બનવાની છે. સ્વરા અને ફહાદનાં જીવન-પરિવારમાં એક નવા મહેમાનનો ઉમેરો થશે. સ્વરા અને ફહાદે ગઈ 16 ફેબ્રુઆરીએ કોર્ટમાં જઈને લગ્ન કર્યાં હતાં.

ફહાદ એહમદ રાજકારણી છે અને સમાજવાદી પાર્ટીનો મુંબઈનો નેતા છે. સ્વરા ભૂતકાળમાં CAA-NRC કાયદાની વિરુદ્ધમાં આંદોલને ઉતરી હતી. એ વખતે તેની અને ફહાદની મુલાકાત થઈ હતી અને બંને જણ એકબીજાંની નિકટમાં આવ્યાં હતાં. સ્વરા વીરે દી વેડિંગ, નીલ બટ્ટે સન્નાટા, અનારકલી ઓફ આરાહ જેવી ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે. એ ઘણા પ્રશ્નો અંગે સોશિયલ મિડિયા પર પોતાનાં પ્રત્યાઘાતો વ્યક્ત કરીને સક્રિય રહેતી હોય છે.