ગણપત વિદ્યાનગર: યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્થિત બી. એસ. પટેલ પોલિટેકનિક અને કે. બી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ માટે ૨૭ અને ૨૮ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન દ્વિ-દિવસીય “જ્યોતિર્ગમય – ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2026″નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને યુનિવર્સિટીની શૈક્ષણિક પરંપરા, સુવિધાઓ, ઉદ્યોગલક્ષી શિક્ષણ, સંશોધન, ઇનોવેશન તથા કારકિર્દીની વિવિધ તકોથી માહિતગાર કરવાનો હતો.
આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ આઈ. પટેલ (દાદા), ગ્રુપ પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા, પ્રિન્સિપલ ડોનર બી. એસ. પટેલ તેમજ યુનિવર્સિટીના અન્ય વરિષ્ઠ આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન અને આશીર્વચન પાઠવ્યા હતા.
ઓરિએન્ટેશનના પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકે કર્નલ રાજેશ ઓહોલ (Bosch Home Comfort India Ltd.) અને વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થી તરીકે સ્નેહલ ભાવસાર (Inductotherm Group India)એ વિદ્યાર્થીઓને ઉદ્યોગજગતની અપેક્ષાઓ, વ્યક્તિત્વ વિકાસ અને જીવનમૂલ્યો અંગે પ્રેરણા આપી હતી. બીજા દિવસે મુખ્ય અતિથિ પિલ્લારી ગુણાકર રાવ (Sr. VP, Tirth Agro Technology) તથા પૂર્વ વિદ્યાર્થી અનિલ પટેલ (Director, Starline Cars)એ સફળ કારકિર્દી માટે સંવાદ કૌશલ્ય, વિનમ્રતા, સકારાત્મક અભિગમ અને શ્રેષ્ઠ માનવી બનવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
બે દિવસ દરમિયાન વિષય નિષ્ણાતો દ્વારા ઉચ્ચ શિક્ષણ, પ્લેસમેન્ટ, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, વેલનેસ અને સંશોધન જેવા વિવિધ વિષયો પર માહિતીપ્રદ સત્રો યોજાયા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કેમ્પસની વિવિધ શૈક્ષણિક સુવિધાઓથી પરિચિત કરાવવામાં આવ્યા હતા.
સંસ્થાના પ્રિન્સિપલ અને એક્ઝિક્યુટિવ ડીન ડૉ. કલ્પેશ પી. પટેલે જણાવ્યું હતું કે, “ઓરિએન્ટેશન એ માત્ર પરિચયનો કાર્યક્રમ નથી, પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની મજબૂત શરૂઆત છે. શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને જીવનકૌશલ્યનો સમન્વય જ સાચી સફળતાનો પાયો છે.” ફેકલ્ટી સભ્યો, આયોજન સમિતિઓ, NSS વોલન્ટિયર્સ અને સ્ટાફના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.




