એન્ટી પેપર લીક બિલ રાજ્યસભામાં પણ પાસ: વિપક્ષનું વોકઆઉટ

દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગરબડ અને પેપર લીકની ઘટનાઓ પર રોક લગાવવા માટે લાવવામાં આવેલું ‘એન્ટી પેપર લીક બિલ’ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. વિપક્ષી સભ્યોના હોબાળા અને વોકઆઉટ વચ્ચે આ મહત્વપૂર્ણ વિધેયક ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. બિલ પસાર થયા બાદ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને ગૃહની કાર્યવાહી શુક્રવાર, 31 જુલાઈ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

સુધારા પ્રસ્તાવ અને વિપક્ષનો વોકઆઉટ

આ બિલની કેટલીક કલમો અંગે વિપક્ષી સાંસદો જોન બ્રિટાસ, એ.એ. રહીમ, હરીશ બીરાન અને સંતોષ કુમાર પી. એ સુધારા અંગેની નોટિસ આપી હતી, પરંતુ વોટિંગ સમયે તેઓ ગૃહમાં હાજર નહોતા. પી. વિલ્સન અને તિરુચિ શિવાએ પણ કેટલાક સુધારા પ્રસ્તાવિત કર્યા હતા, જે મતદાન દરમિયાન રદ થઈ ગયા હતા. ત્યારબાદ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું અને બિલ સર્વસંમતિથી ધ્વનિ મત દ્વારા પસાર થઈ ગયું હતું.

સરકારનો પક્ષ અને ડો. જિતેન્દ્ર સિંહનું વક્તવ્ય

બિલ પરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ મુદ્દો દેશના દરેક પરિવાર સાથે જોડાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ‘વિકસિત ભારત 2047’ ની વાત કરે છે, ત્યારે દેશના આ યુવાનો અને વિદ્યાર્થીઓ તેમાં સૌથી મોટું રોકાણ છે.

વિપક્ષના દાવાઓનો વિરોધ: ડો. જિતેન્દ્ર સિંહે ઉમેર્યું કે વિપક્ષના નેતાઓએ દેશમાં 152 પેપર લીક થયા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેઓ તેને ગૃહમાં પ્રમાણિત (Authenticate) કરી શક્યા નથી.

શિક્ષણ ક્ષેત્રે સુધારા: તેમણે એઈમ્સ (AIIMS) થી લઈને મેડિકલ કોલેજો અને મેડિકલ સીટોની વધેલી સંખ્યાના આંકડા રજૂ કર્યા હતા. વડાપ્રધાને મેનેજમેન્ટ ક્વોટા નાબૂદ કરીને મેડિકલ શિક્ષણને સામાન્ય નાગરિકો માટે સુલભ બનાવ્યું છે.

નવી શિક્ષણ નીતિ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા વિદ્યાર્થીઓને તેમની પસંદગીના વિષયો પસંદ કરવાની વધુ સ્વતંત્રતા મળી છે અને ઉચ્ચ શિક્ષણની તકો વધી છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારોના બાળકો માટે દેશભરમાં 400 જેટલી એકલવ્ય મોડેલ શાળાઓ ખોલવામાં આવી છે.

આ બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ ચૂક્યું હોવાથી હવે તે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ વિધિવત કાયદો બની જશે.