અકાલી દળ મહિલા અનામત, સીમાંકન બિલને આપશે ટેકો

નવી દિલ્હીઃ અકાલી દળે મોટું એલાન કરતાં કહ્યું છે કે તે મહિલા અનામત અને સીમાંકન બિલને સમર્થન આપશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે શુક્રવારે સુખબીર બાદલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન શી ચર્ચા થઈ હતી, તેની વધુ માહિતી હજુ સામે આવી નથી. જોકે પંજાબનાં રાજકીય વર્તુળોમાં હલચલ તેજ થઈ ગઈ છે કે બે જૂના સાથી પક્ષો ફરી એક વાર સાથે આવે એવી શક્યતા છે.

શું અકાલી-ભાજપ વચ્ચે ફરી ગઠબંધન થશે?

વર્ષ 2020માં અકાલી દળ અને ભાજપના રસ્તા અલગ થઈ ગયા હતા. ત્રણ કૃષિ કાયદાઓને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદ ઊભા થયા હતા અને અંતે અનેક વર્ષ જૂનું ગઠબંધન તૂટી ગયું હતું, પરંતુ હવે બદલાયેલાં રાજકીય સમીકરણોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પડકાર આપવા માટે બંને પક્ષો ફરી એક વાર સાથે આવી શકે છે. અત્યાર સુધી ભાજપ કે અકાલી દળે ગઠબંધન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ સંકેતો ચોક્કસપણે મળવા લાગ્યા છે કે બંને પક્ષો વચ્ચે ફરી સહમતી બની શકે છે.

લોકસભામાં અકાલી દળની કેટલી તાકાત?

જાણકારોનું માનવું છે કે પંજાબમાં અકાલી દળની તાકાત મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારો અને શીખ સમુદાય વચ્ચે છે, જ્યારે ભાજપને શહેરી વિસ્તારોમાં સમર્થન મળે છે. બંને પક્ષો જ્યારે ગઠબંધન કરે છે ત્યારે એક મોટો મતદાતા વર્ગ તેમની સાથે જોડાઈ શકે તેવી શક્યતા રહે છે.

અકાલી-ભાજપ ગઠબંધન કેટલું મજબૂત?

આ જ કારણસર વર્ષ 1997, 2007 અને 2012માં અકાલી દળ અને ભાજપના ગઠબંધને પંજાબમાં સરકાર બનાવી હતી. જોકે ત્યાર બાદ વર્ષ 2020માં બંને પક્ષોના રસ્તા અલગ થઈ ગયા હતા. આ પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળ બંનેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. હવે બદલાયેલા રાજકીય પરિદૃશ્યમાં બંને પક્ષો ફરી સાથે આવે છે કે નહીં તેના પર પંજાબના રાજકારણમાં સૌની નજર છે.