સાર્વજનિક ગણેશોત્સવ : શ્રધ્ધા સજાવટ સામાજિક સંદેશનો સમન્વય

અમદાવાદ : શહેરમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થઇ રહી છે. મોટી સંખ્યામાં લોકો ઘરમાં વિનાયકને સ્થાપી ઉત્સવ દરમિયાન પૂજા અર્ચના અનુષ્ઠાન કરે છે. આ સાથે શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવમાં પણ વિશાળ પંડાલ જોવા મળી રહ્યા છે. ગજાનંદ ગણપતિના ભક્તોએ સાર્વજનિક ગણેશોત્સવને ઉજવણીની સાથે સર્જનાત્મક અને કલાત્મક બનાવવાના પ્રયાસો કર્યા છે.-શહેરના ભદ્ર વિસ્તારમાં ગણેશ ભગવાનની ભવ્ય મૂર્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

-દરિયાપુર લુણસાવાડ વિસ્તારમાં દ્વારકા નગરીના દ્રશ્યો ઉભા કરવામાં આવ્યા છે. ગણેશની મૂર્તિને કૃષ્ણરૂપે મુકવામાં આવી છે. આ સાથે દ્વારકાનો નાથ બોડાણાનું ગાડુ હાંકતા, આ સાથે ગંગાબાઇની વાડીએ તોલાયા ભગવાન દ્રશ્યો ઉભા કરાયા છે.

– વેપારથી ધમધમતા માધુપુરામાં ગણેશ મહોત્સવમાં ભગવાન તિરુપતિ બાલાજીના સ્વરૂપે બિરાજમાન છે. ગણેશજીનું આ સ્વરૂપ જોતાં જ લોકો વાહન ઉભુ રાખી મોબાઇલથી સેલ્ફી કે ફોટા પાડવા ઉત્સુક બની જાય છે.

– મણીનગર વિસ્તારમાં વર્ષોથી દક્ષિણી સોસાયટીમાં વર્ષોથી ગણેશોત્સવ થાય છે. જેમાં પરાગ નાઇક અને સાથીઓ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં વિશાળ હિંચકા પર ગણેશજી બિરાજમાન છે.

– સાર્વજનિક ગણેશોત્સવ મંડળ શ્રીપાદવાડીમાં પંઢરપુરના વિઠ્ઠલના દર્શન સાથે અદભુત મલ્ટિમીડિયા પ્રેસન્ટેશન રજુ કરવામાં આવી રહ્યું છે.

– રાયપુરથી કાંકરિયા તરફ જતા માર્ગ પર જગન્નાથ ભગવાનના ખોળે વ્હાલ કરતી ગણેશજી ની મૂર્તિ મુકવામાં આવી રહી છે.

-શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મધુવૃંદ સોસાયટી નજીક જુદી જુદી થીમ સાથે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી થાય છે. આ વર્ષે યુવાનોએ નેપાળના ગૌમુખની થીમ સાથે મુક્તિધામ તૈયાર કર્યુ છે. આ સાથે મનોકામના ગણેશ આગળ પોતાની વાત રજુ કરવા માટે ચીઠ્ઠી કાગળ મુકવા માટે પેટી તૈયાર કરવામાં આવી છે. જ્યાં દર્શનાર્થીઓ પોતાની મનોકામના પુરી કરવા ચીઠ્ઠીઓ મુકી રહ્યા છે.-શહેરના ચાંદલોડિયા ગોતા વિસ્તારના વંદેમાતરમ રોડ પરના માર્ગ પર જ ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં પર્યાવરણને બચાવવાની થીમ તૈયાર કરાઇ છે. વૃક્ષો વાવો એનું જતન કરો ના સંદેશ સાથે આખુંય લીલા છમ મંડપની થીમને જોવા અને ગણેશવંદના માટે હજારો લોકો ઉમટી રહ્યા છે. દેવમ એપાર્ટમેન્ટ ગોદરેજ ગાર્ડન સિટીમાં કલાત્મક મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે ડાયરા ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)