જયપુર: રાજસ્થાનમાં સત્તાની સેમી ફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસની અંદર હવે હાર-જીતના આંકડા કરતાં ચૂંટણી પહેલાંની વ્યૂહરચના અને ચૂંટણી બાદના રાજકીય સંચાલન પર વધુ સવાલો ઊઠવા લાગ્યા છે. આ જ કારણ છે કે વિખરાયેલી કોંગ્રેસ અને નેતાઓ વચ્ચેની જૂથબાજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો પર ભારે પડી છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ પોતાના પક્ષમાં વધુ સારા માહોલનો દાવો કરતી રહી હતી, પરંતુ ચૂંટણી દરમિયાન મોટા નેતાઓની સંયુક્ત વ્યૂહરચના અને રાજકીય સંચાલનનો અભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી તો લડી, પરંતુ રાજધાનીથી રાજકીય ટીમ સાથે એકસાથે સમગ્ર રાજ્યમાં ઊતરવાને બદલે તમામ નેતાઓ પોતાના-પોતાના ગઢ બચાવતા જ જોવા મળ્યા હતા. બીજી તરફ ભાજપમાં મુખ્ય મંત્રી ભજનલાલ શર્મા પોતે ટિકિટ વિતરણથી લઈને બળવાખોરોને મનાવવા અને ચૂંટણીપ્રચાર માટે વિવિધ વિસ્તારોમાં રોડ શો કરવા સુધીની જવાબદારી સંભાળતા જોવા મળ્યા હતા. આ જ કારણ છે કે અપેક્ષા મુજબ પરિણામો ન મળતાં કોંગ્રેસના નેતાઓ વચ્ચેનો આંતરિક સંઘર્ષ પણ ફરી સપાટી પર આવ્યો છે. ચૂંટણી બાદ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ભાજપને ઘેરતાં-ઘેરતાં કોંગ્રેસની વ્યૂહરચના પર જ સવાલો ઊભા કર્યા છે.

ગહેલોતે કહ્યું, પાર્ટીએ વિશ્લેષણ કરવું પડશે
ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહેલોતે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે મુખ્ય મંત્રી અને ભાજપના મોટા નેતાઓએ જે રીતે આક્રમક પ્રચાર કર્યો તેનો કોંગ્રેસે પણ જવાબ આપવો જોઈતો હતો. તમામ મોટા નેતાઓએ એકસાથે પ્રચાર માટે બહાર નીકળવું જોઈતું હતું. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ બનાવવો જોઈતો હતો. રોડ શો અને સંયુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું હોત તો પરિણામો વધુ સારાં આવી શક્યા હોત. ગેહલોતે કહ્યું કે જો સરકાર સામે લોકોમાં નારાજગી હતી તો અપક્ષ ઉમેદવારોને કોંગ્રેસ કરતાં વધુ મત કેમ મળ્યા? આ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. પાર્ટીએ બેસીને તેનું વિશ્લેષણ કરવું પડશે. રાજસ્થાનમાં જ પાર્ટીમાં તૂટફૂટ અને બળવો ચાલી રહ્યો હતો ત્યારે રાજસ્થાનના પાયલટને પંજાબમાં મતભેદ ઉકેલવા માટે મોકલવામાં આવ્યા હતા.




